(ANI Photo)

ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ભાજપના લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. ગૌતમ ગંભીર પછી ભાજપના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને ચૂંટણીની રાજનીતિથી પોતાને મુક્ત કરવાની વિનંતી કરી હતી.

ગૌતમ ગંભીરે હવે તેમની આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં પૂર્વ દિલ્હીની બેઠક પરથી ગંભીરને ફરી ટિકિટ મળશે નહીં તેવી અટકળો વચ્ચે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગંભીરે તેમના રાજકીય સંન્યાસની જાહેરાત કરી હતી.

પૂર્વ દિલ્હીના સાંસદ ગંભીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ તેમને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર માન્યો હતો. ગંભીરે એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે મેં પક્ષ પ્રમુખ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે, જેથી કરીને હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ!”

ગંભીરની નજીકના લોકોએ કહ્યું હતું કે તેઓ આ વખતે પણ પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર હતાં. ગંભીર ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષને મળ્યા હતાં અને શનિવારે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન દિલ્હી ભાજપના નેતાઓએ ગંભીરને રિલકટન્ટ રાજકારણી ગણાવ્યો હતો

બીજી તરફ ભાજપના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને ચૂંટણીની રાજનીતિથી પોતાને મુક્ત કરવાની વિનંતી કરી હતી. ઝારખંડના હજારીબાગના બે વખતના સાંસદ આર્થિક અને વહીવટી મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયંત સિંહાએ જણાવ્યું હતું કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક આબોહવા પરિવર્તન સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના ટોચના નેતાઓનો આભાર માન્યો હતો.

 

LEAVE A REPLY