BJP marches towards record breaking victory in Gujarat, leads in 155 seats

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટી રેકોર્ડતોડ વિજય તરફ આગળ વધી રહી છે. બીજી તરફ કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થાય તેવા મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાંથી સંકેત મળી રહ્યાં છે. રાજ્યમાં નવી આવેલી આમ આદમી પાર્ટીનો દેખાવ પણ કંગાળ રહે તેવી શક્યતા છે. 182 સભ્યોની વિધાનસભામાં પ્રારંભિક ટ્રેન્ડ મુજબ ભાજપે 155 બેઠકો પર જંગી સરસાઈ મેળવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 18 બેઠક પર આગળ હતી, જયારે આમ આદમી પાર્ટી 6 બેઠકો પર આગળ ચાલી રહી હતી.

અગાઉ ખામ થીયરીને આધારે કોંગ્રેસના માધવસિંહ સૌલંકીએ 1985માં 149 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પણ તૂટ્યો ન હતો, પરંતુ ભૂપેન્દ્ર પટેલ આ રેકોર્ડ તોડે તેવી પૂરી શક્યતા દેખાય છે. બીજી તરફ કોંગ્રેસ પણ ગુજરાતમાં તેના ઇતિહાસની સૌથી ઓછી બેઠકો મેળવીને ખરાબ રેકોર્ડ બનાવે તેવી શક્યતા છે.

ભાજપનો ગુજરાતમા 27 વર્ષના શાસન પછી સતત સાતમી ટર્મ પણ વિજય મેળવી રહી છે. ભારતમાં અગાઉ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાએ સાત વખત વિજય થવાનો રેકોર્ડ બનાવેલો છે, જેની ગુજરાતમાં ભાજપ બરાબરી કરશે.
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આજે મતગણતરી ચાલે છે. એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં બીજેપી માટે મોટી બહુમતીનું અનુમાન લગાવ્યું છે અને ભગવા પાર્ટી સતત સાતમી ટર્મ માટે રાજ્યમાં સત્તા જાળવી રાખવાની અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાની જેમ રેકોર્ડ સ્થાપી કરવા માગે છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી, જ્યારે બે બેઠકો BTPને, એક NCPને અને ત્રણ અપક્ષોને મળી હતી. આ મહિનાની ચૂંટણીઓ પહેલા, છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસની બેઠકો પર જીતેલા 20 ધારાસભ્યો ભાજપમાં જોડાયા પછી પછી ગૃહમાં ભાજપની સંખ્યા 110 અને કોંગ્રેસની સંખ્યા 60 હતી.
ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની હરીફાઈ રહી છે, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી મેદાનમાં ઉતરી હોવાથી ત્રિકોણીય જંગ હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં લગભગ 30 રેલીઓ અને રોડ શોને સંબોધિત કરીને ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. કેન્દ્રીય પ્રધાન અમિત શાહ લગભગ બે મહિનાથી રાજ્યમાં હતા, ભાજપ માટે પ્રચાર અને ચૂંટણી વ્યૂહરચનાનું માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું.

પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, હિમંતા બિસ્વા સરમા અને પ્રમોદ સાવંત સહિતના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોએ પણ રાજ્યમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ભાજપના લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓએ રાજ્યમાં પ્રચાર કર્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની ભારત જોડો યાત્રામાંથી ગુજરાતમાં બે રેલીઓને સંબોધવા માટે સમય મળ્યો હતો. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજ્યમાં કોંગ્રેસના પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ પણ ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે AAP માટે આક્રમક પ્રચાર ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. તેમણે છેલ્લા પાંચ મહિનામાં ઘણી રેલીઓ અને રોડ શો યોજ્યા હતા.

અગાઉ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે, 182 વિધાનસભા બેઠકોને આવરી લેતા 37 મતગણતરી કેન્દ્રો પર ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અમદાવાદમાં ત્રણ, સુરત અને આણંદમાં બે અને બાકીના 30 જિલ્લામાંથી એક-એક કેન્દ્ર હશે.

CEOએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના કર્મચારીઓ સાથે તમામ મતગણતરી કેન્દ્રો પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ હતી,, જ્યારે EVM મતોની ગણતરી સવારે 8.30 વાગ્યે ચાલુ થઈ હતી. સમગ્ર મતગણચરીની પ્રક્રિયાની વિડિયોગ્રાફી થઈ રહી છે.

શાસક પક્ષને 117-151 બેઠકોની રેન્જમાં જીત મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 16થી 51 બેઠકો વચ્ચે જીત મળવાની આગાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને 2 થી 13 સીટો વચ્ચે બેઠકો મળવાનો અંદાજ હતો. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 છે.

ગુજરાતમાં મતદાન 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં થયું હતું. મતદાન 66.31 ટકા હતું, જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા 71.28 ટકા કરતાં ઓછું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, યુવા નેતા હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સહિત કુલ 1,621 ઉમેદવારોના ભાવિનો નિર્ણય ગુરુવારે થશે. કુલ 70 રાજકીય પક્ષો અને 624 અપક્ષો મેદાનમાં હતા.

મુખ્ય હરીફ ભાજપ, કોંગ્રેસ અને AAP ઉપરાંત, બહુજન સમાજ પાર્ટી (BSP) ના 101 ઉમેદવારો અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ના 26 ઉમેદવારોએ પણ ચૂંટણી લડી હતી.

LEAVE A REPLY