વલસાડ જિલ્લાના વાપીમાં સોમવારે સવારે બાઇક પર આવેલા માસ્કધારી બે હુમલાખોરોએ ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક શૈલેષ પટેલ (45) વાપી તાલુકામાં પાર્ટીના ઉપપ્રમુખ હતા. તે કોચરવા ગામના રહેવાસી હતા.
વહેલી સવારે તેઓ પરિવાર સાથે મંદિરે ગયા હતાં ત્યારે જ બે બાઇક પર આવેલાં હુમલાખોરોએ તેમનાં પર ફાયરિંગ કર્યુ હતું. જૂની અદાવતમાં તેમની હત્યા કરાઈ હોવાની આશંકા છે. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક જાણીતા વ્યક્તિઓ સાથેના જૂના વિવાદને કારણે હત્યા થઈ હશે. ઘટનાને પગલે પોલીસે વાપીની તમામ એન્ટ્રી અને એક્ઝિટ બોર્ડર સીલ કરી દીધી હતી
ઇજાગ્રસ્ત હાલતમાં શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં માહોલ ગરમાયો હતો. હત્યારાઓ પોલીસ પકડથી દૂર હતા. હત્યાનું સાચું કારણ જાણવા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પોલીસે મૃતક શૈલેષ પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો.