ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. (ANI Photo)

અરુણાચલપ્રદેશમાં રવિવારે ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પરત આવ્યો હતો. રાજ્ય વિધાનસભાની કુલ 60માંથી ભાજપને 46 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. રાજ્યની 50 વિધાનસભા બેઠકોની મતગણતરી રવિવારે કરવામાં આવી હતી. બાકીની 10 બેઠકો ભગવા પક્ષે બિનહરીફ જીતી હતી. રાજ્યમાં 19 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ હતી.

50 બેઠકોમાંથી ભાજપનો 36 બેઠકો પર વિજય થયો હતો. મુખ્યપ્રધાન પેમા ખાંડુ સહિતના ભાજપના  10 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આભાર અરુણાચલ પ્રદેશ! આ અદભૂત રાજ્યની જનતાએ વિકાસની રાજનીતિને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. અમારી પાર્ટી રાજ્યના વિકાસ માટે વધુ જોરશોરથી કામ કરવાનું ચાલુ રાખશે.

2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પાર્ટીએ 2019માં 41 બેઠકો જીતી હતી.નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)એ પાંચ સીટો જીતી, જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને બે સીટો અને એનસીપીને ત્રણ સીટો મળી હતી.

બીજી તરફ સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) રવિવારે અભૂતપૂર્વ વિજય સાથે ફરી સત્તા આવ્યો હતો. રાજ્ય વિધાનસભાની 32માંથી 31 બેઠકો જીતીને એસકેએમએ ઇતિહાસ રચ્યો હતો. વિપક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ માત્ર એક જ બેઠક મળી હતી. સિક્કિમ વિધાનસભાની ચૂંટણી 19 એપ્રિલે લોકસભાની ચૂંટણીની સાથે જ યોજાઈ હતી.

LEAVE A REPLY