પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે આગામી ફેબ્રુઆરી-માર્ચમાં લોકસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર હવે છ મહિનાની મહેમાન છે. કેન્દ્રમાં ભાજપ વિરુદ્ધ તેઓ વિપક્ષનું મહાગઠબંધન બનાવાનો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે રાજ્યમાં સીપીઆઇ(એમ) અને કોંગ્રેસ ભગવા કેમ્પને મદદ કરી રહ્યાં છે.
રાજ્યમાં 8 જુલાઈએ યોજાનારી પંચાયતની ચૂંટણી માટે જલપાઈગુડી જિલ્લામાં એક રેલીને સંબોધતા બેનર્જીએ ધમકીના સૂરમાં જણાવ્યું હતું કે BSFએ નિષ્પક્ષપણે કામ કરવું જોઈએ, કારણ કે ભાજપ આવતીકાલે સત્તામાં નહીં હોય. આગામી લોકસભાની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાશે. ભાજપ સરકારનો કાર્યકાળ માત્ર છ મહિના જેટલો છે. હારનો અહેસાસ થતાં તે વિવિધ જૂથો અને સમુદાયોમાં લોબિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મે, 2019 ના રોજ સતત બીજી ટર્મ માટે શપથ લીધા હતા.
લઘુમતી સમુદાય સુધી પહોંચવા માટેના પ્રયાસો બદલ ભાજપ આકરા પ્રહારો કરતાં ટીએમસી સુપ્રીમોએ જણાવ્યું હતું કે જેમના પર લઘુમતીઓ અને દલિતોના લિંચિંગનો આરોપ છે, તેઓ હવે લઘુમતીઓ સાથે તસવીરો શેર કરી રહ્યા છે. ગરીબ અને વંચિતોની પરવા ન કરતાં ઉદ્યોગપતિ મુસ્લિમોનો ભાજપ ઉપયોગ કરી રહ્યો છે. અહીં દીદી છે, ત્યાં સુધી જ લઘુમતીઓ સુરક્ષિત છે.
ગયા વર્ષે દાણચોરો પરના બીએસએફના ગોળીબારનો ઉલ્લેખ કરતા સીએમએ જણાવ્યું હતું કે, તેમણે અત્યાચારમાં ભાગ લેવો જોઈએ નહીં. બીએસએફના ગોળીબારમાં મૃત્યું પામેલા લોકોના પરિજનોને હોમગાર્ડની નોકરી અને રૂ.2 લાખની સહાય મળશે. સોમવારે મમતાએ બીએસએફ પર ભાજપ વતી સરહદી વિસ્તારોમાં મતદારોને ડરાવવાનો આક્ષેપ કર્યો હતો.