સત્તારૂઢ ભાજપને નાણાકીય વર્ષ 2022-23માં ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આશરે રૂ.1,300 કરોડનું ચૂંટણી ફંડ મળ્યું હતું, જે સમાન ગાળામાં કોંગ્રેસને આ જ માધ્યમ દ્વારા મળેલા ચૂંટણી ફંડ કરતાં સાત ગણું વધુ છે. 2022-23ના નાણાકીય વર્ષમાં ભાજપને કુલ રૂ.2,120 કરોડનું ફંડ મળ્યું હતું, જેમાંથી 61 ટકા રકમ ઈલેક્ટોરલ બોન્ડ્સ મારફત આવી હતી, એમ પાર્ટીએ ચૂંટણી પંચને સુપરત કરેલા વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવાયું હતું.
નાણાકીય વર્ષ 2021-22માં પાર્ટીને કુલ રૂ.1,775 કરોડનું ચૂંટણી ભંડોળ મળ્યું હતું. 2022-23માં પાર્ટીની કુલ આવક રૂ.2,360.8 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ.1,917 કરોડ હતી. બીજી તરફ કોંગ્રેસે ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી રૂ.171 કરોડ મેળવ્યાં હતા, જે નાણાકીય વર્ષ 2021-22ની રૂ.236 કરોડથી ઓછી હતી. ભાજપ અને કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષો છે.
માન્યતાપ્રાપ્ત પ્રાદેશિક પાર્ટી સમાજવાદી પાર્ટીને 2021-22માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ.3.2 કરોડનું ભંડોળ મળ્યું હતું. 2022-23માં તેને આ બોન્ડ્સમાંથી કોઈ યોગદાન મળ્યું ન હતું. અન્ય પ્રાદેશિક પક્ષ TDPને 2022-23માં ચૂંટણી બોન્ડ દ્વારા રૂ.34 કરોડની કમાણી થઈ હતી, જે અગાઉના નાણાકીય વર્ષથી 10 ગણી વધારે હતી.
ભાજપે ગયા નાણાકીય વર્ષમાં વ્યાજમાંથી રૂ.237 કરોડની કમાણી કરી હતી, જે 2021-22માં રૂ. 135 કરોડ હતી. ચૂંટણી અને સામાન્ય પ્રચાર’ પરના તેના કુલ ખર્ચમાંથી ભાજપે વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગ માટે રૂ.78.2 કરોડ ચૂકવ્યા હતા, જે 2021-22માં ચુકવેલા રૂ.117.4 કરોડથી ઓછા છે. પાર્ટીએ ઉમેદવારોને નાણાકીય સહાય તરીકે રૂ.76.5 કરોડ પણ ચૂકવ્યા હતા, જે 2021-22ના રૂ.146.4 કરોડ હતા. પક્ષે આ સહાય ‘કુલ ચૂકવણી’ના શીર્ષક હેઠળ દર્શાવી છે.