ભાજપે મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના આરોપનો સામનો કરી રહેલા યુપીની કૈસરગંજ બેઠકના હાલના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહનું પત્તુ કાપીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉમેદવાર બનાવ્યાં છે. બ્રિજભૂષણ શરણ સિંહને ટિકિટ અપાઈ નથી, પરંતુ આ બેઠક માટે તેમના પરિવારના સભ્યને ઉમેદવાર બનાવાયા છે, જે દર્શાવે છે કે ઠાકુર નેતા અને છ વખતના સાંસદ આ પ્રદેશ અને પક્ષમાં કેટલા પ્રભાવશાળી છે.
પાર્ટીએ ગાંધી પરિવારના ગઢ એવા રાયબરેલીમાંથી તેના ઉમેદવાર તરીકે દિનેશ પ્રતાપ સિંહનું નામ જાહેર કર્યું છે. રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી સતત પાંચ વખત વિજયી બન્યાં હતા. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ 2019માં પણ રાયબરેલી સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતાં.