લોકસભામાં શુક્રવારે બજેટ સત્ર શરૂ થયાની થોડીવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હકીકતમાં લોકસભામાં રાહુલ ગાંધીએ વાયનાડ વિશે સવાલ પૂછ્યા હતા. ત્યારપછી જવાબ આપવા માટે ઉભા થયેલા સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે- રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપવામાં આવે તે પહેલાં તેમણે કોઈ પણ શરત વગર ગૃહની માફી માંગવી જોઈએ.
તેમણે કહ્યું કે, સમગ્ર ગૃહે એક સ્વરમાં વડાપ્રધાન વિરુદ્ધ તેમણે વાપરેલા શબ્દોની નિંદા કરવી જોઈએ. આ બાબતે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. સંસદમાં 1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થયું છે અને તે 11 ફેબ્રુઆરીએ પુરૂ થશે. ત્યારપછીનું સત્ર 2 માર્ચથી શરૂ થશે અને 3 એપ્રિલ સુધી ચાલશે. ભાજપ સાંસદ જગદમ્બિકા પાલે કહ્યું- કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન ભાષણમાં રાહુલ ગાંધીના વડાપ્રધાનના નિવેદન વિશે નિંદા કરી રહ્યા હતા. તે દરમિયાન કોંગ્રેસ સાંસદ માનિક ટૈગોર તેમની દરપ દોડ્યા.
લોકતંત્ર માટે આ ખૂબ ખરાબ વાત છે. જોકે રાહુલ ગાંધીએ આ વિશે ખુલાસો આપતા કહ્યું કે, ગૃહમાં અમને અમારી વાત રજૂ ન કરવા દીધી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો. ગૃહમાં થયેલા ઘટના ક્રમ વિશે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, વાયનાડમાં મેડિકલ કોલેજ નથી. હું આ મુદ્દો ઉઠાવવા માંગુ છું. જો હું આ મુદ્દે બોલતો તો ચોક્કસ ભાજપને પસંદ ન આવતું. આ જ કારણ છે કે અમને ગૃહમાં બોલવાનો મોકો આપવામાં નથી આવતો. તમે વિઝ્યુઅલ જોઈ લો.
કોંગ્રેસ સાંસદ માનિક ટૈગોરે કોઈ ઉપર હુમલો નથી કર્યો પરંતુ ઉલટાની તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હકીકતમાં રાહુલ ગાંધીએ તાજેતરમાં જ જૂની દિલ્હીના હૌજ કાઝીની એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી, જે ભાષણ આપી રહ્યા છે તેઓ આગામી છ મહિના પછી તેમના ઘરમાંથી બહાર નહીં નીકળી શકે. ભારતના યુવકો તેમને ડંડા મારશે.