સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જારી કરે તેવી ધારણા છે. પક્ષમાં ચૂંટણી મેદાને ઉતારવા ઉમેદવાર પસંદગી કરવાનો ધમધમાટ શરૂ થયો છે. હાલમાં અમદાવાદ સહિતના શહેરોમાં સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી દેવાઇ છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદાવારો પસંદ કરવાની તમામ પ્રક્રિયા 28મી જાન્યુઆરી સુધી આટોપી લેવામાં આવશે. 29, 30 અને 31મી જાન્યુઆરીએ ભાજપના કાર્યાલય કમલમમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. આ ત્રણ દિવસીય બેઠકમાં સ્થાનિક લેવલેથી આવેલા દાવેદારોના નામ પર ચર્ચા કરાશે અને ઉમેદવારની પસંદગી પર આખરી મહોર મારવામાં આવશે. ફેબુ્આરીના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોના નામ જાહેર કરવાની ભાજપની ગણતરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠે બેઠકો જીત્યા બાદ ભાજપ પૂરા જોશમાં છે. ભાજપે દાવો કર્યો છે કે, પેટાચૂંટણીની જેમ મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ મજબૂત પ્રદર્શન કરશે પણ દાવેદારોની સંખ્યાને જોતાં ટિકીટ માટે આકરા નિયમો ઘડવા પડયાં છે જેના કારણે અડધોઅડધ દાવેદારોના ફોર્મ રિજેક્ટ થઇ જશે. ભાજપે 55થી વધુ વયના વ્યક્તિ માટે ચૂંટણી લડવા પર જ બ્રેક મારી છે. આમ છતાંય ઉમેદવારની પસંદગી કરવી અઘરી બની છે.