ભાજપે 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ.4,847.78 કરોડની સંપત્તિ જાહેર કરી છે, જે તમામ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. બીએસપી રૂ.698.33 કરોડની સંપત્તિ સાથે બીજા અને કોંગ્રેસ રૂ.588.16 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે, એમ ચૂંટણી સુધારાની તરફેણ કરતા સંગઠન એડીઆરના અહેવાલમાં જણાવાયું છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)એ 2019-20માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની સંપત્તિ અને જવાબદારીના વિશ્લેષણના આધારે તેનો રીપોર્ટ તૈયાર કર્યો છે. આ વિશ્લેષણ મુજબ નાણાકીય વર્ષ દરમિયાન સાત રાષ્ટ્રીય અને 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલી કુલ સંપત્તિ અનુક્રમે રૂ.6,988.57 કરોડ અને રૂ.2,129.38 કરોડ છે.
એડીઆરના રીપોર્ટ મુજબ સૌથી વધુ 69.37 ટકા સંપત્તિ ભાજપ પાસે છે. આ પછી બીએસપી પાસે 9.99 ટકા અને કોંગ્રેસ પાસે 8.42 કરોડની સંપત્તિ છે.
44 પ્રાદેશિક પક્ષોમાં જોઇએ તો ટોચના 10 પક્ષો પાસે રૂ.2,028.715 કરોડની સંપત્તિ છે, જે તમામ પ્રાદેશિક પક્ષોએ જાહેર કરેલી કુલ સંપત્તિના આશરે 95.27 ટકા થાય છે.
2019-20ના નાણાકીય વર્ષમાં પ્રાદેશિક પક્ષોમાં સમાજવાદી પાર્ટીએ સૌથી વધુ રૂ.563.47 કરોડ (26.46 ટકા)ની સૌથી વધુ સંપત્તિ જાહેર કરી હતી. ટીઆરએસએ રૂ.301.47 કરોડ અને AIADMKએ રૂ.267.61 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.
પ્રાદેશિક પક્ષોએ જાહેર કરેલી કુલ સંપત્તિમાં ફિકસ્ડ ડિપોઝિટ-એફડીઆરનો હિસ્સો સૌથી વધુ 76.99 ટકા હતો.
એફડીઆર-ફિકસ્ડ ડિપોઝિટ કેટેગરી હેઠળ ભાજપે રૂ.3,253 કરોડની અને બીએસપીએ રૂ.618.86 કરોડની સંપત્તિ જાહેર કરી હતી, જ્યારે કોંગ્રેસે રૂ.240.90 કરોડની સંપત્તિ ફિકસ્ડ ડિપોઝિટમાં રાખી હતી.
પ્રાદેશિક પક્ષોમાં એફડીઆર-ફિકસ્ડ ડિપોઝિટ તરીકે એસપીએ રૂ.434.219 કરોડ, ટીઆરએસએ રૂ.256.01 કરોડ, AIADMKએ રૂ.246.90 કરોડ, ડીએમકેએ રૂ.162425 કરોડ, શિવસેનાએ રૂ.148.46 કરોડ, બીજેડીએ રૂ.118.425 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.