ભાજપે રવિવારે ઉમેદવારોની જાહેર કરેલી પાંચમી યાદીમાં ઉત્તરપ્રદેશની પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધી, ગાઝિયાબાદથી જનરલ વી.કે. સિંહ સહિતના દિગ્ગજ નેતાને પડતા મૂક્યા હતા. પીલીભીતમાં ભાજપે ઉત્તરપ્રદેશના પીડબલ્યુડી પ્રધાન જિતિન પ્રસાદને મેદાનમાં ઉતાર્યાં છે.
વરુણ ગાંધી તાજેતરમાં રોજગાર અને સ્વાસ્થ્ય સહિત અનેક મુદ્દાઓ પર ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે તેમની માતા મેનકા ગાંધીને ઉમેદવારોની યાદીમાં યથાવત રાખવામાં આવ્યા છે અને તેમને સુલતાનપુર સંસદીય મતવિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજેપીએ ગાઝિયાબાદથી અતુલ ગર્ગને મેદાનમાં ઉતાર્યા છે અને વર્તમાન સાંસદ અને કેન્દ્રીય પ્રધાન વીકે સિંહને પડતાં મૂક્યા છે.
ગયા વર્ષે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ટીકા કરતાં વરુણ ગાંધીએ લોકોને સલાહ આપી હતી કે “નજીકના સાધુને પરેશાન ન કરો” કારણ કે કોઈને ખબર નથી કે ‘મહારાજજી’ ક્યારે મુખ્યપ્રધાન બનશે”.