ભાજપે 19 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે બુધવારે તેના ઉમેદવારોની દસમી યાદી જારી કરી હતી. પાર્ટીએ યુપીની બલિયા સીટ પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને ટિકિટ આપી છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશની સાત બેઠકો અને પશ્ચિમ બંગાળની આસનસોલ અને ચંદીગઢ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. પાર્ટીએ ચંડીગઢથી કિરણ ખૈર અને પ્રયાગરાજથી બહુગુણા જોશીને પડતા મૂક્યા છે. ભાજપે બંગાળની આસનસોલ બેઠક પર નવો ઉમેદવારો ઉતાર્યો છે. પહેલા આ બેઠક પરથી ભોજપુરી ફિલ્મ સુપરસ્ટાર પવન સિંહને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. હવે તેમની જગ્યાએ એસ.એસ.અહલુવાલિયાને ટિકિટ અપાઈ છે.
દસમી યાદીમાં નવ ઉમેદવારોના નામ છે. ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખૈરનું પત્તું કાપી નાખ્યું છે અને સંજય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંજય ટંડન ચંદીગઢના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.
આસનસોલથી શત્રુઘ્ન સિંહા સામે એસએસ અહલુવાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય પારસનાથ રાયને યુપીના ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈ અને સપાના ઉમેદવાર અફઝલ અન્સારી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે યુપીની ફુલપુર બેઠક પરથી પ્રવીણ પટેલ અને અલ્હાબાદ બેઠક પરથી વર્તમાન સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરીને નીરજ ત્રિપાઠીને આપવામાં આવી છે.