શિવસેના-એનસીપી -કોંગ્રેસની ગઠબંધન સરકારના પતન બાદ હવે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોરો જોડાણ કરીને સરકારની રચના કરે તેવી શક્યતા છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ પહેલી જૂને મુખ્યપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે વિધાનસભામાં શક્તિપરીક્ષણ પહેલા રાજીનામું આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવા પર મંથન ચાલી રહ્યું છે. ભાજપે શિંદે જૂથને 8 કેબિનેટ અને 5 રાજ્ય પ્રધાનની ઓફર આપી છે. ડેપ્યુટી મુખ્યપ્રધાન માટે એકનાથ શિંદેનું નામ સુચવવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પહેલા બળવાખોર ધારાસભ્યો ગૌહાટીથી રાત્રે ગોવા આવી પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે કર્મના સિદ્ધાંત અને બાલાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરીને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. ભાજપના મહામંત્રી સી ટી રવિએ જણાવ્યું હતું કે કર્મના ફળ મળે છે. બાલાસાહેબ ઠાકર એક એવા વ્યક્તિ હતા કે તેઓ સત્તાની બહાર હોવા છતાં સરકાર પર અંકુશ રાખી શકતા હતા. બીજી તરફ તેમનો પુત્ર સત્તા પર હોવા છતાં તેમની પાર્ટી પર અંકુશ રાખી શકતા નથી.