ગુજરાતમાં 21 અને 23 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જ ઘણી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. વિવિધ જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 110 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે 219 બેઠકો જીતી લીધી છે.
નગરપાલિકામાં ભાજપના 85 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારો આ બેઠકો પર બિનહરીફ જીતી ગયા હતા.
મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી થઈ ગયું છે. કડી નગરપાલિકાની 36 બેઠકો પૈકીની 26 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી વગર જ જીતી લીધી છે. ઉનામાં 36 બેઠકોમાંથી 21 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે.
ગુજરાતમાં છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તે ઉપરાંત 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે.