ભારતીય જનતા પાર્ટીએ આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ બુધવારે પાંચ ચૂંટણી રાજ્યો માટે પોતાના પ્રભારીઓની જાહેરાત કરી હતી. કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, અર્જુન રામ મેઘવાલ, સરોજ પાંડેય, શોભા કરંદલાજે, કેપ્ટન અભિમન્યુ, અન્નપૂર્ણા દેવી અને વિવેક ઠાકુરને યુપી ચૂંટણી માટે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

ઉત્તરાખંડ માટે પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને જવાબદારી સોંપી છે. તેમની સાથે લોકેટ ચેટર્જી અને સરદાર આરપીસિંહને પણ સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબની ચૂંટણી માટે કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે-સાથે હરદીપ પુરી, મીનાક્ષી લેખી, વિનોદ ચાવડાને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોવા ચૂંટણી માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદારી અપાઇ છે, જ્યારે મણિપુરની વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુરમાં આવતાં વર્ષે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. માર્ચ-એપ્રિલ વચ્ચે આ રાજ્યોમાં ચૂંટણી યોજાઇ શકે છે. આ પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને મિશન ૨૦૨૪ની સેમીફાઇનલ પણ મનાઇ રહી છે