કેન્દ્ર સહિત દેશના સંખ્યાબંધ રાજ્યોમાં સત્તા સંભાળી રહેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 6 એપ્રિલે પોતાના સ્થાપના દિવસ ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપ ફક્ત એક ચૂંટણી જીતવાનું મશીન જ નથી, અમને દરેક સંપ્રદાયનું સમર્થન મળી રહ્યું છે. આ પ્રસંગે દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે એક મોટા કાર્યક્રમનું આયોજન થયું હતું.
મોદીએ જણાવ્યું હતું કે ભાજપના 41 વર્ષ આ વાતના સાક્ષી છે કે, સેવા કેવી રીતે કરવામાં આવે છે, પાર્ટી કેવી રીતે કાર્યકરોના દમ પર આગળ આવે છે. આજે દેશના દરેક રાજ્ય, જિલ્લામાં પાર્ટી માટે અનેક પેઢીઓએ કામ કર્યું છે.
ભાજપના દિગ્ગજ નેતાઓને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને અટલ બિહારી વાજપેયીએ ભાજપને રસ્તો ચીંધ્યો, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓએ ભાજપને આગળ વધારી છે. અમારા ત્યાં વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ છે. એક સમય હતો, જ્યારે અટલજીએ એક મતથી સરકાર પડવા દીધી, પરંતુ નિયમો સાથે સમજૂતી ન કરી.’
મોદીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટી નાના ખેડૂતોને લાભ પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે. નવા કૃષિ કાયદાથી લઈને અન્ય અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ભાજપ ત્રિપલ તલાકનો અંત લાવ્યું છે અને ઘરની રજિસ્ટ્રીમાં મહિલાઓને પ્રાથમિકતા આપી છે. આ કાર્યક્રમમાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપ હવે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે જે સેવાના રસ્તે ચાલી રહી છે.