ઠંઠા તેજ પવનો સાથે ગુજરાત 4 જાન્યુઆરીથી શીતલહેરની ચપેટમાં આવ્યું હતું. તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુરુવારે હાડ થીજવતી ઠંડી પડતાં જનજીવન પર મોટી અસર થઈ હતી. ગુરુવારે કચ્છ જિલ્લાના નલિયા ગામમાં ગુજરાતનું સૌથી નીચું 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, એમ ભારતીય હવામાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું. 5 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાં ડીસામાં તેનું સૌથી નીચું તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ કંડલા એરપોર્ટ પર 8 ડિગ્રી સેલ્સિયસ, ભુજ, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે શનિવારથી ઠંડીની અસરમાં ઘટાડો થયો હતો. હાડ થીજવતી ઠંડી પડતાં જનજીવન પર મોટી અસર થઈ હતી.
અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય તાપમાન કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું, જ્યારે અન્ય સ્થળોએ જ્યાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી ઓછું હતું તેમાં સુરેન્દ્રનગર (10 ડિગ્રી સેલ્સિયસ), રાજકોટ (11 ડિગ્રી સેલ્સિયસ), વડોદરા (12 ડિગ્રી સેલ્સિયસ), અમરેલી (12 ડિગ્રી સેલ્સિયસ) નોંધાયું હતું.
5 જાન્યુઆરીએ પ્રખ્યાત પર્યટન સ્થળ આબુના સર્વોચ્ચ ગુરુશિખર પર માઇનસ ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં માઇનસ સાત ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. જોકે, મોટી સંખ્યામાં પહોંચેલા પ્રવાસીઓએ આ ઠંડીનો આનંદ માણ્યો હતો.
ઠંડા પવનને પગલે ગુરુવારે પાવાગઢ, જુનાગઢ અને અંબાજીના રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઈ હતી. રોપ-વે સંચાલકોએ જણાવ્યા મુજબ પ્રવાસીઓની સુરક્ષા માટે ભારે પવનના કારણે રોપ-વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતી.
માઉન્ટ આબુમાં ગુરુવાર, 5 જાન્યુઆરીએ ઠંડીનો છેલ્લા ત્રણ દાયકાનો રેકોર્ડ તૂટતા માઇનસ સાત ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્ષ 1993માં એટલે કે લગભગ 3 દાયકા અગાઉ માઉન્ટ આબુનું તાપમાન માઇનસ 8 ડિગ્રી નોંધાયું હતું. પવનને કારણે નખી તળાવના મોજા દરિયાની જેમ જોવા મળી રહ્યા હતા. માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ બગીચાઓમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી.