જાહેર આરોગ્યના કારણોસર આવશ્યક ટ્રાવેલ માટે યુકે સરકારે ટ્રાવેલ એડવાઇઝરી બુધવારે (6 ઓક્ટોબર) અપડેટ કરી છે અને તેમાં બાંગ્લાદેશ, મલેશિયા સહિતના 32 દેશો માટે કોરોના સંબંધિત નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. જે 32 દેશોમાં અત્યારસુધી પ્રવાસ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હતો તેવા આ દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થતો નથી.
યુકે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ જણાવ્યું હતું કે આ ફેરફારોથી લોકો વધુ સરળતા સાથે મોટી સંખ્યામાં ડેસ્ટિનેશન્સની મુલાકાત લઈ શકશે.
યુકે ફોરેન સેક્રેટરી લીઝ ટ્રુસે જણાવ્યું હતું કે “આ નિયમમાં ફેરફારથી સમગ્ર બ્રિટનના લોકો માટે ટ્રાવેલિંગ વધુ સરળ બનશે, બિઝનેસ અને પરિવારોને લાભ થશે તથા આપણને મિત્રો અને પરિવારજનોને મળવાની છૂટ મળશે.”
તેમણે જણાવ્યું હતું કે અમે લોકોને સુરક્ષિત રાખવામાં તથા તેમને વધુ સ્વતંત્રતા આપવામાં યોગ્ય સંતુલન જાળવી રહ્યાં છીએ. બીજી તરફ અમે રીકવરીના માર્ગ પર રહેલા ટ્રાવેલ સેક્ટરને પણ સપોર્ટ આપી રહ્યાં છીએ.
બ્રિટન સરકારે અગાઉ ઇન્ટરનેશનલ ટ્રાવેલ માટે ટ્રાફિક લાઇટ સિસ્ટમની જગ્યાએ સરળ સિસ્ટમ અમલી બનાવી હતી અને તેમાં માત્ર એક રેડ લિસ્ટ રાખ્યું હતું. આ ફેરફારમાં વેક્સિનેટેડ ટ્રાવેલર્સ માટે ટેસ્ટિંગની જરૂરિયાતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જોકે વેક્સિનેટેડ ભારતીયોને હજુ આ નવી સિસ્ટમનો લાભ મળ્યો નથી, કારણ કે વેક્સિન માન્ય કરવામાં આવી હોય તેવા દેશોમાં ભારતનો સમાવેશ કરાયા પછી પણ ત્યાંના વેક્સિન સર્ટીફિકેટના મુદ્દે હજી બન્ને દેશો વચ્ચે હજુ મંત્રણા ચાલુ છે.
યુકે સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે વધારાના દેશો માટે વેક્સિન સર્ટિફિકેટની દર ત્રણ સપ્તાહે સમીક્ષા કરવામાં આવશે. આવી પ્રથમ સમીક્ષા આ સપ્તાહે થવાની ધારણા છે.
દરમિયાન ફુલી વેક્સિનેટેડ ભારતીય ટ્રાવેલરે બ્રિટનમાં પ્રવેશ વખતે ત્રણ પીસીઆર ટેસ્ટ કરાવવા પડશે અને પોતાના એડ્રેસ પર સેલ્ફ આઇસોલેટ થવું પડશે. ભારતમાં પ્રવેશતા બ્રિટિશ નાગરિકો માટે પણ આવા જ નિયમો લાગુ ગયા સપ્તાહથી લાગુ પડ્યા છે.
FCDOએ જણાવ્યું હતું કે તે રેડ લિસ્ટ દેશો માટે આવશ્યક ટ્રાવેલ સિવાયના તમામ ટ્રાવેલ ન કરવાની સલાહ ચાલુ રાખશે. તે આગામી દિવસોમાં કેટલાંક વધુ દેશો માટે એડવાઇઝરી દૂર કરવાની યોજના ધરાવે છે.
ઘણી ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમની પોલિસીમાં રેફરન્સ પોઇન્ટ તરીકે FCDOની ટ્રાવેલ એડવાઇઝરીનો ઉપયોગ કરે છે અને સરકારે આવશ્યક ટ્રાવેલ સામે એડવાઇઝરી જારી કરી હોય તેવા સ્થળોના પ્રવાસ સામે વિમા સુરક્ષા કવચ આપતી નથી. જોકે હવે લોકો વિશ્વના વધુ દેશો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઈ શકશે.