વૈશ્વિક હિંદુ સંગઠન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ઉજવણી માટે અમેરિકામાં એક સાંસદે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ઠરાવ રજૂ કર્યો છે.
મંગળવારે કોંગ્રેસમેન એન્ડ્રુ ગારબારિનોએ રજૂ કરેલા ઠરાવમાં જણાવાયું હતું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો અનોખો સંદેશ છે કે “બીજાની ખુશીમાં જ આપણી ખુશી છુપાયેલી છે”. ગહન અનુભવ અને ઊંડી કરુણાના ઊંડાણમાંથી આવતો આ સંદેશ વિચારશીલ, અર્થપૂર્ણ અને આશ્વાસન આપનારો છે.
ઠરાવમાં જણાવાયું છે કે BAPS આધ્યાત્મિક વડાએ હંમેશા તેમની સંભાળ માટે સોંપાયેલા ઘણા લોકોને જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું છે તથા તમામની આધ્યાત્મિક અને શારીરિક જરૂરિયાતો માટે પુષ્કળ સેવાકાર્યો કર્યા છે. 7 ડિસેમ્બર, 1921ના રોજ ગુજરાતના ગામમાં જન્મેલા પૂજ્ય મહારાજે નાનપણથી જ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હતો, પવિત્રતાની શોધ કરી હતી, ભૌતિક સંપત્તિનો ત્યાગ કર્યો હતો.
ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિઓ, પરિવારોમાં અને વિવિધ સમુદાયો વચ્ચે સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વિશ્વવ્યાપી હિંદુ સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પાંચમા આધ્યાત્મિક ગુરુના આધ્યાત્મિકતા અને નેતૃત્વના અજોડ સંયોજનથી BAPSને વૈશ્વિક વ્યાપ માટે મદદ કરી છે. આ સંસ્થા વિશ્વભરમાં 1,100થી વધુ મંદિરો અને ઉત્તર અમેરિકામાં 150 કેન્દ્રો ધરાવે છે.