Nemubhai Chandaria OBE

બર્મિંગહામ યુનિવર્સિટીએ બુધવારે તા. 7ના રોજ જૈન ધર્મનો એક નવો અધ્યાપન અને રીસર્ચ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જાન્યુઆરી 2023થી તેની નોંધણી શરૂ થશે. જૈન સમુદાય સાથે જોડાયેલા ભારતીય મૂળના ફિલાન્થ્રોપિસ્ટ દાતાઓનું પ્રતિનિધિત્વ કરતા ડૉ. જસવંત મોદી (અમેરિકા) અને નેમુભાઇ ચંદારીયા (યુકે)એ “વિશ્વના અગ્રણી” એવા આ રીસર્ચ પ્રોગ્રામ માટે USD 1.5 મિલિયનની ભેટ આપી હતી.

આ રીસર્ચ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2023થી શરૂ થશે અને જૈન સ્ટડીઝમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ, એથિક્સ ઓફ નોનવાયોલન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ અને જૈન સ્ટડીઝમાં પોસ્ટડોક્ટરલ રિસર્ચ ફેલોશિપનો અભ્યાસ કરી શકાશે.

બર્મિંગહામ યુનિવર્સિટી ખાતે હેડ ઓફ ધ સ્કૂલ ઓફ ફિલોસોફી, થીયોલોજી અને રીલીજીયન વિભાગના વડા પ્રોફેસર શાર્લોટ હેમ્પેલે જણાવ્યું હતું કે “અમારા દાતાઓની ઉદારતાનો અર્થ એ છે કે અમારી પાસે વિશ્વના સૌથી સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે વૈવિધ્યસભર શહેરોના કેન્દ્રમાં જૈન ધર્મમાં શ્રેષ્ઠતાનું વિશ્વ-અગ્રગણ્ય કેન્દ્ર સ્થાપિત કરવાની તક છે. હું આ જબરદસ્ત રોમાંચક પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓ અને સંશોધકોને આવકારવા માટે આતુર છું. અમારું માનવું છે કે આવનારા વર્ષોમાં વિશ્વભરમાં જૈન ધર્મની સમજણમાં વધારો થશે.”

ભગવાન ધર્મનાથ જૈન સ્ટડીઝ પ્રોગ્રામ અંતર્ગત પર્યાવરણીય સંરક્ષણ, માનવ અધિકારો અને આંતરધર્મ સંવાદ જેવા સમકાલીન મુદ્દાઓના સંબંધમાં શિક્ષણ અને સંશોધનનો વિકાસ કરાશે.

ડૉ. જસવંત મોદીએ કહ્યું હતું કે “મને આનંદ છે કે બર્મિંગહામ યુનિવર્સિટી ભગવાન ધર્મનાથના નામ પર જૈન અભ્યાસ કાર્યક્રમ શરૂ કરી રહી છે. અહિંસા આપણને કોઈપણ જીવ સ્વરૂપને નુકસાન પહોંચાડવાનું ટાળતા શીખવે છે; અપરિગ્રહનો સિદ્ધાંત આપણને ફક્ત તે જ રાખવાનું શીખવે છે જે આપણા માટે જરૂરી છે અને બાકીનું અન્યને આપવાનું શીખવે છે; અને અનેકાંતવાદનો સિદ્ધાંત આપણને દરેકના અભિપ્રાયનો આદર કરવાનું શીખવે છે. હું ઉત્સાહિત છું કે અમારું દાન બર્મિંગહામ યુનિવર્સિટીના શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઓફ ફિલોસોફી, થિયોલોજી અને રિલિજિયનમાં આ વિભાવનાઓ સાથે સંબંધિત વિષયોનું અન્વેષણ કરવા સક્ષમ બનાવશે.”

બર્મિંગહામ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર શહેરમાં સ્થાનિક જૈન સમુદાય 1970ના દાયકાની શરૂઆતથી બર્મિંગહામ કાઉન્સિલ ઑફ ફેથ્સનો ભાગ છે. આ અભ્યાસક્રમ  સંયુક્તપણે ધર્મની જૈન ફિલસૂફી, શાંતિ અને સંઘર્ષ નિવારણ, ક્ષમા, પર્યાવરણીય નીતિશાસ્ત્ર, ઇકોલોજી, માનવ સુખાકારી, મહિલા અધિકારો, પ્રાણીઓના અધિકારો અને વ્યવસાય નીતિશાસ્ત્ર સહિતના વિષયોની વિશાળ શ્રેણીને આવરી લેશે.

LEAVE A REPLY