લખનૌ ઘરાનાના વિખ્યાત કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકને કારણે સોમવાર, 17 જાન્યુઆરીએ અવસાન થયું હતું. અંતાક્ષરી રમતા-રમતા 83 વર્ષની વયે દિલ્હી સ્થિત નિવાસસ્થાને જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બિરજુ મહારાજના પરિવારે આ અંગે જાણકારી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીતપ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમના અવસાનથી કલા જગતને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. સ્વર્ગસ્થ પંડિત જસરાજના પુત્રી ગાયક દુર્ગા જસરાજે જણાવ્યું હતું કે બિરજુ મહારાજનું નિધન ભારતના કલા જગતને ઐતિહાસિક નુકસાન છે.
પંડિત બિરજુ મહારાજનું અસલી નામ બ્રિજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ લખનૌમાં થયો હતો. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નૃત્યકાર હતા.
પંડિત બિરજુ મહારાજ રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે પોતાના પૌત્ર-દોહિત્રી સાથે અંતાક્ષરી રમતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત ખરાબ થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અહેવાલ પ્રમાણે, બિરજુ મહારાજને થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારી હોવાની જાણકારી મળી હતી. તેમનું ડાયાલિસિસ ચાલતું હતું, પરંતુ રવિવારે મધરાત્રે એકાએક તેમની તબિયત બગડી અને દેહાંત થયું હતું.
1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજે બોલિવુડની કેટલીય ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો. આ ફિલ્મોમાં ‘ઉમરાવ જાન’, ‘ડેઢ ઈશ્કિયા’, ‘બાજીરાવ મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. પદ્મ વિભૂષણ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ પ્રાપ્ત થયું છે. 2012માં ‘વિશ્વરૂપમ’ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.મહારાજજી તરીકે બિરજુ મહારાજે ભારતની પરંપરાત નૃત્યકલાને વિશ્વવિખ્યાત બનાવી હતી. તેઓ પોતાની પાછળ ત્રણ પુત્રી અને બે પુત્રને છોડી ગયા છે.