ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બુધવારે અવસાન થયું હતું. જનરલ બિપિન રાવત અને બીજા 13 વ્યક્તિને લઈને જઈ રહેલું આર્મીનું હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુમાં તૂટી પડ્યું હતું, આ દુર્ઘટનામાં કુલ 13 વ્યક્તિના મોત થયા હતા. એક વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલે છે. હેલિકોપ્ટરમાં જનરલ રાવત સાથે મુસાફરી કરી રહેલા તેમના પત્નીનું પણ મોત થયું હતું.
ઇન્ડિયન એર ફોર્સે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દુઃખ સાથે એની પુષ્ટી મળી છે કે, જનરલ રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને બીજા 11 વ્યક્તિનું આ કમનસીબ ઘટનામાં મોત થયું છે. આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત તેમના પત્ની, તેમના ડિફેન્સ આસિસ્ટન્ટ, સિક્યોરિટી કમાન્ડો અને એર ફોર્સના પર્સોનલ સહિતના 14 વ્યક્તિઓ સવાર હતા. એર ફોર્સે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સનું Mi-17 V5 હેલિકોપ્ટર તમિલાડુના કુન્નૂર નજીક તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનાના કારણની તપાસ ચાલુ છે.
તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે મિલિટરીનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે 12.20 વાગ્યે ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ સ્પોટથી માત્ર 10 કિલોમીટર દૂર હતુ.એમાં 14 ટોચના અધિકારી સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ સાથે સેનાના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.
દિલ્હીમાં બિપિન રાવતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવાઈ હતી. 63 વર્ષના જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખપદ રહ્યા હતા. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી હતી. તેઓ ભારત પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે સંકલન કરવા માટે આ નવા હોદ્દાનું સર્જન કરવામાં આવ્યું હતું.