કોરોનાના નવા સબવેરિયન્ટને પગલે ભારતમાં કોરોનાના કેસોમાં ફરી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં આશરે 129 દિવસ પછી પ્રથમ વખત એક દિવસમાં કોરોના કેસોમાં આશરે 1,000નો વધારો થયો હતો અને ત્રણના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી 5,915 થઈ હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટામાં જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ નવા 1,071 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. આની સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધી આશરે 5.30 લાખ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.
મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધી આશરે 4.46 કરોડ થઈ હતી. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ કેસના આશરે 0.01 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.8 ટકા થયો હતો. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધી આશરે 4.42 કરોડ થઈ હતી. કોરોનાનો મૃત્યુદર 1.19 ટકા થયો હતો. દેશમાં રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી વેક્સિનના 220.65 ડોઝ આપવામાં આવ્યા છે.