એમ્બ્યુલન્સ આવે તે માટે ‘લગભગ એક કલાક’ રાહ જોયા પછી ગયા મહિને એશ્ટન-અંડર-લાઈન, ટેમસાઈડમાં રહેતી બે સંતાનોની માતા અને 56 વર્ષીય બીના પટેલ નામની બ્રિટિશ ભારતીય મહિલાનું મૃત્યુ થયું હતું. પેરામેડિક્સ તેમના ઘરે પહોંચ્યા ત્યારે બીનાના શરીર પર ‘કોઈ પલ્સ’ મળ્યા ન હતા.
ડેઇલી મેઇલમાં પ્રકાશીત રીપોર્ટ મુજબ 999ને કરાયેલા કૉલના રેકોર્ડિંગમાં સંભળાયું હતું કે તે ‘શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહી છે’ અને ‘મને મદદ કરો, હું મરી રહી છું, હું શ્વાસ લઈ શકતી નથી’, એવી ચીસો સાંભળી હતી.
નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ (NWAS)ના અહેવાલ મુજબ, તેણીનું ‘શંકાસ્પદ કાર્ડિયાક અરેસ્ટ’ થી મૃત્યુ થયું હતું.
તેમના 27 વર્ષીય પુત્ર અશ્કેએ 11 ઓક્ટોબરના વહેલી સવારે માતાની સ્થિતિ વધુ બગડતી હોવાથી એમ્બ્યુલન્સને ‘સાત વખત’ બોલાવી હતી અને તેણીએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તે તેની સાથે બેઠા હતા. અશ્કેએ માતાના મૃત્યુ માટે NWAS ને દોષી ઠેરવતા કહ્યું હતું કે ‘મારી માતા લગભગ એક કલાક સુધી ગૂંગળામણ અનુભવતી હતી અને તેણીનો જીવ ‘બચાવી શકાયો હોત’.
15 વર્ષથી કેશિયર તરીકે આસ્ડા સ્ટોરમાં કામ કરતા બીના પટેલ 10 ઓક્ટોબરના રોજ લેસ્ટરમાં મિત્રોને મળીને ઘરે પાછા ફર્યા હતા. પરંતુ બીજા દિવસે વહેલી સવારે અશ્કેએ મદદ માટેની બૂમો સાંભળતા તે ગભરાઈ ગયો હતો.
પટેલને લાંબા સમયથી ડાયાબિટીસ હતો પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી કોઈ અંતર્ગત પરિસ્થિતિઓ નહતી. તેણે એમ્બ્યુલન્સ માટે સૌ પ્રથમ કોલ 2.30 વાગ્યે કર્યો હતો. જેમાં કોલ હેન્ડલરે એક એમ્બ્યુલન્સ તેના માર્ગ પર છે અને તેણે દર્દીને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ એમ જણાવ્યું હતું. તે પછી અશ્કેએ મળસ્કે 2.52, 3.03, 3.10, 3.17, 3.23 અને થોડીક સેકન્ડ પછી કૉલ કર્યો હતો.
એક કૉલ દરમિયાન કૉલ હેન્ડલરને એમ કહેતા સંભળાયા હતા કે ‘અમે ખૂબ જ વ્યસ્ત છીએ’ અને ‘દોઢેક કલાક’ લાગી શકે છે. સવારે 3.17ના કૉલમાં અશ્કે એમ કહેતા સંળાયા હતા કે તેની માતાએ હવે શ્વાસ લેવાનું સંપૂર્ણ બંધ કરી દીધું છે. ત્યારે એક કૉલ હેન્ડલરે એમ કહ્યું હતું કે તેણે પેરામેડિક્સ આવવાની રાહ જોવી જોઈએ અને મારી પાસે ‘બીજો કોલ આવી રહ્યો છે અને (તેમણે) હેંગ અપ કરવું પડશે’.
સવારે 3.27 વાગ્યે એમ્બ્યુલન્સ અને પેરામેડિકની કાર આવી હતી અને પટેલને થોડા સમય બાદ મૃત જાહેર કરાયા હતા.
અશ્કેએ જણાવ્યું હતું કે ‘’અમે રહીએ છીએ ત્યાંથી ટેમસાઇડ હોસ્પિટલ બે મિનિટના રસ્તા ઉપર છે. હું તેને કારમાં બેસાડીને જાતે જ ત્યાં લઈ જઈ શક્યો હોત. તો તેનું જીવન બચાવી શકાયું હોત. તે એમ્બ્યુલન્સની રાહ જોતી એક કલાક સુધી શ્વાસ માટે સંઘર્ષ કરી રહી હતી.
એનડબ્લ્યુએએસે આ ઘટનાની આંતરિક પૂછપરછ કરી 60 દિવસમાં જવાબ આપવાનું વચન આપ્યું છે.
અશ્કે અને તેનો ભાઈ માતાની સ્મૃતિમાં તેમના સ્થાનિક મંદિર અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે નાણાં એકત્ર કરવાની આશા રાખે છે.
તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકથી પીડિત દર્દીઓ NHS પરના દબાણના કારણે એમ્બ્યુલન્સ માટે એક કલાકથી વધુ સમય સુધી રાહ જોઈ રહ્યા છે.