વિશ્વમાં સૌથી વધારે બિલિયોનેર ધરાવતા દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. એટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ ચીનના જૈક મા પાસેથી છીનવી લીધો છે. જેફ બેજોસ સતત ચોથા વર્ષે પણ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે, એમ વિખ્યાત મેગેઝિન ફોર્બ્સની યાદીમાં જણાવાયું છે.
ફોર્બ્સના અહેવાલ અનુસાર હવે વિશ્વમાં ભારત કરતા વધારે અબજોપતિઓ ફક્ત અમેરિકા અને ચીનમાં છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા અલી બાબાના સ્થાપક જૈક મા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ હતા.
ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10મા નંબરના ધનવાન વ્યક્તિ છે. તેમની કુલ નેટવર્થ 84.5 બિલિયન ડોલર છે. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અને વિશ્વના 24 નંબરના અબજોપતિ બની ગયા છે. તેમની નેટવર્થ આશરે 50.5 બિલિયન ડોલર છે.
અમેરિકાની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોસ હજુ પણ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ સતત ચોથા વર્ષે પણ ટોચ પર છે અને તેમની કુલ નેટવર્થ 177 બિલિયન ડોલર છે. તેમાં ગયા વર્ષની સરખામણીએ 64 બિલિયન ડોલરનો વધારો થયો છે. બીજા ક્રમે સ્પેસ એક્સના સ્થાપક અને ઈલેક્ટ્રિક કાર માટે પ્રખ્યાત એલન મસ્કનું નામ આવે છે. તેમની નેટવર્થ વધીને 151 બિલિયન ડોલર થઈ ગઈ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ તેમાં 126.4 બિલિયન ડોલરનો જંગી વધારો થયો છે.