વિશ્વવિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્સ્ટ્રોપિસ્ટ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ શુક્રવારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા.
એકતાનગર (કેવિડયા) ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં વોક વે પરથી તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. પછી તેમણે સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવામાં આવી હતી. તે વિગતો ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તેમણે સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની માહિતી તેમને આપવામાં આવી હતી.

તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય ! બહુ જ સુંદર ! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ ! મહેમાનગતિ માટે આભાર !

આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચુ, ગોટા, થેપલા સહિત શ્રીઅન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિન્ક ઓટોની મહિલા વાહનચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments