ગોધરા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સભ્યોની હત્યાને “ભયાનક” કૃત્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે અન્ય કેસોની જેમ એકસમાન ધોરણનો 11 દોષિતોને માફી આપતી વખતે પણ અમલ કરવામાં આવ્યો હતો કે નહીં. કોર્ટે દોષિતોની સજા માફી કરવામાં આવી તે અંગેના દસ્તાવેજો રજૂ કરવા ગુજરાત સરકારને નોટિસ આપી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને દોષિતોને આપી હતી.
જોકે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તે આ કેસમાં લાગણીઓથી નહીં અને પરંતુ ફક્ત કાયદા દ્વારા જ ચાલશે. કોર્ટે ગુજરાત સરકારને આગામી સુનાવણીની તારીખ 18 એપ્રિલના રોજ તમામ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે પણ આદેશ આપ્યો હતો.
આ કેસમાં 11 દોષિતને વહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને ગયા વર્ષના 30 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પડકારતા બિલ્કીન બાનુએ જણાવ્યું હતું કે આ નિર્ણયે સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ દોષિતોને જેલમુક્ત કરવાની આદેશ આપ્યો હતો. તેનાથી દોષિતો ગયા વર્ષના 15 ઓગસ્ટે ગોધરાની સબ-જેલમાંથી છૂટ્યા હતા.
કોર્ટે બિલ્કીસ બાનુની અરજી પર કેન્દ્ર, ગુજરાત સરકાર અને દોષિતોને નોટિસ જારી કરી હતી અને પક્ષકારોને સુનાવણીની આગામી તારીખ સુધીમાં દલીલો પૂર્ણ કરવા જણાવ્યું હતું.
કોર્ટની સખંડપીઠે ટિપ્પણી કરી હતી કે આ ખૂબ જ ભયાનક કૃત્ય છે. હત્યાના સામાન્ય કેસમાં વર્ષોથી જેલમાં બંધ હોય તેવા લોકો કોર્ટમાં આવી કહે છે કે તેમની માફી અરજીની વિચારણા થતી નથી. તો શું આ કેસમાં પણ અન્ય કેસોની જેમ ધોરણો સમાન રીતે અપનાવવામાં આવ્યા છે કે નહીં.