બિલ્કીસ બાનોએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002ના બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતોની સજામાફી અને મુક્તિને પડકારી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તે આ મામલાને સુનાવણી માટે લિસ્ટિંગ કરવા પર વિચારણા કરશે.
અહેવાલો અનુસાર બિલ્કીસ બાનોએ કોર્ટમાં બે અરજી દાખલ કરી છે. પ્રથમ અરજીમાં 11 દોષિતોની મુક્તિને પડકાર ફેંકીને તેમને તાત્કાલિક જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી છે. આની સાથે બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલ્કીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી થઈ હતી, ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે?
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી ખંડપીઠે વકીલ શોભા ગુપ્તાની એ રજૂઆતોની નોંધ લીધી હતી કે પીડિતાએ પોતે દોષિતોને માફી અને મુક્ત કરવાની મંજૂરીને પડકારી છે અને આ મામલાને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે.
શોભા ગુપ્તાએ જણાવ્યું હતું કે દોષિતની માફી સામે અન્ય અરજીઓની સુનાવણી કરનારા ન્યાયમૂર્તિ અજય રસ્તોગી હવે બંધારણીય બેંચની સુનાવણીનો ભાગ બન્યાં છે. સીજેઆઈએ કહ્યું હતું કે “સમીક્ષા અરજીની પહેલા સુનાવણી કરવી પડશે. તેને જસ્ટિસ રસ્તોગી સમક્ષ મૂકો.” આ મામલાની ઓપન કોર્ટમાં સુનાવણી કરવા દો તેવું બિસ્કીસ બાનોના વકીલે રજૂઆત કરી ત્યારે ખંડપીઠે જણાવ્યું હતું કે માત્ર સંબંધિત કોર્ટ જ તે અંગે નિર્ણય કરી શકે.
અગાઉ, ન્યાયાધીશ અજય રસ્તોગી અને સીટી રવિકુમારની ખંડપીઠે કહ્યું હતું કે તે એક મહિલા સંગઠન, નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન દ્વારા દાખલ કરવામાં આવેલી નવી અરજી પર સુનાવણી કરશે, જેમાં સજાની માફી અને કેસમાં દોષિતોની મુક્તિને પડકારવામાં આવશે.
ગેંગ-રેપ કેસમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યાનો પણ સમાવેશ થાય છે. ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોમાંથી ભાગતી વખતે બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો.
ગુજરાત સરકારે તેમની માફી નીતિ હેઠળ આ કેસમાં દોષિત ઠરેલા 11 વ્યક્તિને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ-જેલમાંથી મુક્ત કર્યા હતા. દોષિતો જેલમાં 15 વર્ષથી વધુ સમય રહ્યાં હતા.