વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી સાંજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને દ્વિપક્ષીય ચર્ચા માટે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે સાથે મુલાકાત કરી હતી. બાઇડન એરપોર્ટ પર ઉતર્યા પછી સીધા મોદીના નિવાસસ્થાને ગયા હતા અને આ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન મોદીએ બાઇડન માટે ડિનરનું પણ આયોજન કર્યું હતું. આ મુલાકાત પર પ્રારંભિક પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન કાર્યાલય (PMO)એ કહ્યું કે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ફોકસ કર્યું.
અગાઉ ભારતમાં જી-20 સમીટમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રેસિ઼ડન્ટ જો બાઇડન શુક્રવારે સાંજે દિલ્હી આવી પહોંચ્યાં હતા. બાઇડનનું એરફોર્સ વન વિમાન સાંજે આશરે 7 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નીચે ઉતર્યું હતું. બાઇડન અમેરિકાના પ્રેસિડન્ટ બન્યાં તે પછીની તેમની આ પ્રથમ ભારત યાત્રા છે.
અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે આ બેઠકમાં ફાઇટર જેટ એન્જિન માટે સોદો, ડ્રોનની ખરીદી અને 5G અને 6G નેટવર્ક્સ જેવી ટેકનોલોજી પર સહયોગ સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર ચર્ચા થવાની ધારણા છે.એક મોટી રેલ ડીલની પણ ચર્ચા છે, પરંતુ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ અંગેના અહેવાલોની પુષ્ટિ કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે ભારતથી – સમગ્ર મધ્ય પૂર્વમાં – યુરોપ સુધીની કનેક્ટિવિટી અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ છે અને તેમાં સામેલ તમામ દેશોને આર્થિક તેમજ વ્યૂહાત્મક લાભો મળશે.
દરમિયાન, G20 સમિટ પછી સંભવિત સંયુક્ત નિવેદન અંગે સુલિવાને કહ્યું કે તેઓ આવી આગાહી કરી શકતા નથી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુએસ સંયુક્ત નિવેદન જારી થાય તે માટે શક્ય તમામ પ્રયાસો કરશે. એક મુખ્ય અવરોધ યુક્રેન મુદ્દો છે.