દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલિન્ડા 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. 65 વર્ષીય બિલ ગેટ્સે આ અંગે પોતાના ટ્વીટર હેન્ડલ પર જાહેરાત કરી છે. બિલ અને મેલિન્ડાને ત્રણ બાળકો પણ છે.
આ નિર્ણયની જાહેરાત કરતાં ગેટ્સ દંપતીએ લખ્યું હતું કે, ઘણું વિચાર્યા તેમજ લાંબો સમય સાથે રહ્યા બાદ હવે અમે અમારા લગ્નજીવનનો અંત આણવાનું નક્કી કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, તેમણે એક એવું ફાઉન્ડેશન ઉભું કર્યું છે કે જે દુનિયાના લોકોને આરોગ્યપ્રદ અને સારું જીવન જીવવા સક્ષમ બનાવી રહ્યું છે. તેઓ પોતાના આ અભિયાનને આગળ પણ ચાલુ રાખશે, પરંતુ હવે તેમને નથી લાગતું કે જીવનના હવે પછીના તબક્કામાં તેઓ એકબીજાની સાથે કપલ તરીકે રહી શકે. ડિવોર્સ બાદ પણ બિલ અને મેલિન્ડા ફાઉન્ડેશન સાથે જોડાયેલા રહેશે.
ડિવોર્સ બાદ બિલ ગેટ્સની 124 બિલિયન ડોલર જેટલી જંગી મિલકતનું શું થશે તે હજુય સ્પષ્ટ થઈ શક્યું નથી. ન્યૂયોર્ક ટાઈમ્સે ગેટ્સ દંપતીના નજીકના લોકોને ટાંકીને જણાવ્યું હતું કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. તેમનું લગ્નજીવન અનેકવાર ભંગાણના આરે આવી પહોંચ્યું હતું. જોકે, દર વખતે તેમણે પરસ્પર સમજૂતી કરી તેને તૂટતાં બચાવી લીધું હતું. પરિવાર સાથે વધુ સમય વ્યતિત કરવા માટે બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટ તેમજ બર્કશાયર હાથવેના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.