ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 28 ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી યોજાશે. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં નીતિશકુમારીની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન અને RJD-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જંગ જામશે.
રાજ્યમાં મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે 7થી સાંજે 5 વાગ્યાની જગ્યાએ સવારે 7 થી સાંજે 6 વચ્ચે મતદાન યોજાશે. બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં 29 નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ લોકો મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે. આ વખતે ચૂંટણીમાં 6 લાખ PPE કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે. સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ 6 લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.
2015ની ચૂંટણીમાં RJD, JDU અને કોંગ્રેસે સાથે મળીને મહાગઠબંધન બનાવ્યું હતું. આ ગઠબંધનને 178 બેઠક મળી હતી, પરંતુ દોઢ વર્ષ પછી જ નીતીશ મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં સામેલ થયા હતા. આ ચૂંટણીમાં NDAમાં ભાજપ, LJP અને હમ(સેક્યુલર) સાથે JDU પણ છે, સાથે જ ગત ચૂંટણીમાં NDAનો ભાગ રહી ચૂકેલી રાલોસપા મહાગઠબંધન સાથે છે.