બિહાર વિધાનસભાની 3 નવેમ્બરે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 17 જિલ્લાની 94 બેઠકો માટે સરેરાશ 54.05 ટકા મતદાન થયું હતું. આ 94 બેઠકો માટે કુલ 1,463 ઉમેદવારો મેદાનમાં છે. કોરોના મહામારી હોવા છતાં વહેલી સવારથી મતદાન માટે લોકોની લાઇન લાગી હતી અને મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું.
વૈશાલી જિલ્લાની રાહગોપુર બેઠક પરથી આરજેડીના નેતા તેજશ્વી યાદવ ચૂંટણી લડી રહ્યા છે. હસનપુર બેઠક પરથી લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ચૂંટણી મેદાનમાં છે. રાજ્યના ગવર્નર ફાગુ ચૌહાણ, મુખ્યપ્રધાન નીતિશકુમાર, ડેપ્યુટી મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદી, મહાગઠબંધનના મુખ્યપ્રધાનના ઉમેદવાર તેજશ્વી યાદવ, એલજેપીના વડા ચિરાગ પાસવાન સહિતના નેતાઓ તેમના સંબંધિત મતદાન મથક પર મતદાન કર્યું હતું.
રાજ્યના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, મધુબની, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, છપરા, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય ખગડિયા, ભાગલપુર, નાલંદા અને પટણા જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે મતદાન થયું હતું.
બિહારની કુલ 243 બેઠકો સાથેની વિધાનસભા માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 28 ઓક્ટોબરે 71 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થયું હતું. છેલ્લાં તબક્કામાં સાત નવેમ્બરે 78 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના રિઝલ્ટની જાહેરાત 10 નવેમ્બરે થશે.