Big relief to the middle class with massive capital expenditure in the budget
સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સાથે આ પોઝ આપ્યો હતો. REUTERS/Adnan Abidi

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવાર, 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં મૂડીખર્ચને 33 ટકા વધીને 10 લાખ કરોડ (122.29 બિલિયન ડોલર) કરવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે પગારદાર વર્ગને મોટી રાહત આપવામાં આવી હતી. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં મોટો વધારો ચાલુ રખાયો છે. નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મના અંતિમ પૂર્ણ બજેટને રજૂ કરતાં સીતારામને બુધવારે નાણાકીય વર્ષ 2023-24 માટે મધ્યમ વર્ગ, મહિલાઓ તથા પેન્શનર્સને રીઝવે તેવી કર રાહતો અને બચત યોજનાઓવાળું બજેટ રજૂ કર્યું હતું. વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા વચ્ચે નાણાકીય સ્થિરતા જાળવવા ઉપરાંત લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસ વચ્ચે બજેટમાં હાઉસિંગ અને માળખાકીય ક્ષેત્ર પરના ખર્ચમાં જંગી ખર્ચની જાહેરાત કરાઈ હતી.

નવી ટેક્સ સિસ્ટમ સાથે વ્યક્તિગત આવકવેરાની કર રાહતની મર્યાદા વર્તમાન રૂ.5 લાખથી વધારીને 1 એપ્રિલથી રૂ.7 લાખ કરાઈ છે. ટેક્સ સ્લેબ્સની સંખ્યા પણ સાતથી ઘટાડીને પાંચ કરાઈ હતી. ઈન્કમટેક્સ પરનો સર્વોચ્ચ સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરી ઈન્કમટેક્સનો મહત્તમ દર 42.7 ટકાથી ઘટાડી 39 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી. આ દરખાસ્તથી ધનિકોને પણ મોટો લાભ થશે.

સીનિયર સિટિઝન માટેની બચત યોજનાઓ માટે થાપણની મર્યાદા બમણી કરી રૂ.30 લાખ કરાઈ હતી જ્યારે મન્થલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમની મર્યાદા રૂ. 9 લાખ કરાઈ હતી. મહિલાઓ માટે નવી બચત યોજનાની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત બે વર્ષ માટે રૂ. 2 લાખ સુધીની થાપણ પર 7.5 ટકા વ્યાજની જાહેરાત કરાઈ છે. જોકે બજેટમાં રૂ. 5 લાખથી વધુનું વાર્ષિક પ્રીમિયમ ધરાવતી વીમા પોલીસીની પાકતી રકમ પરની કર રાહત પર મર્યાદા લાગુ કરાઈ છે. કોરોના મહામારીની અસર, રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની વૈશ્વિક ઘટનાઓને કારણે ભારતીય અર્થતંત્ર સામે ઉભા થયેલાં વિવિધ પડકારોને પહોંચી વળવા માટે સામાજિક ક્ષેત્રો પરના ખર્ચમાં વધારો કરવાની સાથે સાથે જ સ્થાનિક ઉત્પાદકોને અપાતા પ્રોત્સાહનોમાં વધારો કરવાની જરૂરિયાતને અંદાજપત્રમાં આવરી લેવાનો પ્રયાસ કરાયો છે.

અંદાજપત્રમાં સતત ત્રીજા વર્ષે મૂડી રોકાણ ખર્ચમાં જંગી વધારો કરાયો હતો. 2023-24ના વર્ષ માટે મૂડી રોકાણ ખર્ચ 33 ટકા વધારી રૂ,10 લાખ કરોડ કરાયો છે જે જીડીપીના 3.3 ટકા જેટલો થવા જાય છે. એફોર્ડેબલ હાઉસિંગની ફાળવણી 66 ટકાના જંગી વધારા સાથે રૂ.79,000 કરોડ કરાઈ છે. વિશ્વના અગ્રણી અર્થતંત્રમાં સૌથી વધુ 7 ટકાના જીડીપી સાથે ભારત એક ચમકતા સિતારા તરીકે ઉભરી આવ્યું હોવાનું સીતારામને જણાવ્યું હતું. આગામી વર્ષે એપ્રિલ/મેમાં યોજનારી લોકસભાની ચૂંટણીઓ અગાઉ વર્તમાન સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાતું વચગાળાનું બજેટ રજૂ કરાશે અને સત્તામાં આવનારી નવી સરકાર જુલાઈ, 2024માં પૂર્ણ બજેટ રજૂ કરશે.

નિર્મલા સીતારામને વ્યક્તિગત આવકવેરાના સંદર્ભમાં પાંચ મોટી જાહેરાતો કરી હતી. હાલમાં રૂ.5 લાખ સુધીની આવક મેળવનારા લોકો જૂની અને નવી બંને કર પ્રણાલીમાં કોઈ આવકવેરો ચૂકવતા નથી. નવી કર વ્યવસ્થામાં મુક્તિ મર્યાદામાં વધારો કરીને રૂ.7 લાખ કરવાની દરખાસ્ત છે. 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિએ હવે માત્ર 45,000 રૂપિયા ચૂકવવા પડશે. જે તેની આવકના માત્ર 5 ટકા છે.

કેન્દ્રીય બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટેની ફાળવણી વર્ષ 2022-23ના રૂ.79,145 કરોડથી 13 ટકા વધારીને રૂ.89,155 કરોડ કરાઈ છે. શાળા શિક્ષણ માટેની ફાળવણી પણ 16.1 ટકા વધારીને રૂ.9752.07 કરોડ અને ઊચ્ચ શિક્ષણ માટેની ફાળવણી વધારીને રૂ.44,094.62 કરોડ કરાઈ છે. જે 2022-23માં રૂ.40,828.35 કરોડ હતી.
પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)નો ઉપયોગ કેટલીક સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે કોમન ઓળખકર્તા તરીકે કરવામાં આવશે. આ દરખાસ્તથી દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન મળશે. કોમન આઇડન્ડિફાયર તરીકે પાન નંબરના ઉપયોગ કરતી નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમનો સૌથી મોટો લાભ વિવિધ મંત્રાલયોને આપવી પડતી માહિતી વારંવાર આપવી પડશે નહીં. તેનાથી નિયમ પાલનના બોજમાં ઘટાડો થશે. તેનાથી વારંવાર કેવાયસીની જરૂરિયાતમાં પણ ઘટાડો થશે.

LEAVE A REPLY