વડોદરામાં 2017ના એક ભાગદોડ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે ફિલ્મ સ્ટાર શાહરુખ ખાનને રાહત આપતાા જણાવ્યું હતું કે પ્રખ્યાત હસ્તીઓની પાસે અન્ય તમામ નાગરિકોની જેવા અધિકાર છે અને તેમને પરોક્ષ રીતે દોષી બનાવી શકાય નહીં. આ સાથે જ 2017માં ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડને લઈને ગુનાહિત કેસને ચાલુ રાખવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે.
ચાલુ વર્ષના એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટે પણ શાહરુખખાન વિરુદ્ધ ગુનાહિત કેસ રદ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશને યથાવત્ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ વ્યક્તિ(શાહરુખખાન)નો દોષ શું હતો? ફક્ત એટલા માટે કે એ એક સેલિબ્રિટી છે, તેનો એ અર્થ નથી કે તેની પાસે કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે શાહરુખ પાસેથી ટ્રેનથી યાત્રા કરતી વખતે તમામની સુરક્ષા સુનિશ્ચિત કરવી કે વ્યક્તિગત ગેંરટી આપવાની આશા રાખી શકાય નહીં. જો કોઈ ટ્રેનથી યાત્રા કરે છે, તો એ કોઈ વ્યક્તિગત ગેરંટી નથી. એક સેલેબ્રિટીને પણ દેશના તમામ નાગરિકોની જેમ સમાન અધિકાર છે.
આ કેસની વિગત એવી છે કે 23 જાન્યુઆરી 2017ના રોજ વડોદરા રેલવે સ્ટેશન પર ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસના આગમન સમયે ખૂબ હંગામો થયો હતો. આ ટ્રેનથી શાહરુખખાન પોતાની ફિલ્મ રઈસનો પ્રચાર કરવા યાત્રા કરી રહ્યો હતો. જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પહોંચી તો હજારો લોકો શાહરુખખાનની ઝલક માટે ઉત્સુક હતા, બાદમાં ભાગદોડ મચી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હતા.