ભારતની મહિલાઓ હજુ પણ જાતિય હુમલાનો શિકાર બને તેવી ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલી ટીપ્પણી તેમના માટે નવી મુશીબત બની હતી. રવિવાર, 20 માર્ચે દિલ્હી પોલીસની ટૂકડી આવી મહિલાઓની માહિતી મેળવવા માટે રાહુલ ગાંધીના ઘેર પહોંચી હતી. પોલીસ કાર્યવાહીનો કોંગ્રેસ કાર્યકારોએ જોરદાર વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. પોલીસ આશરે બે કલાક પછી રાહુલ ગાંધીને મળી શકી હતી. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ પણ ચાલુ થયું હતું. ભારતની લોકશાહી સામે ખતરો ઊભો થયો છે તેવી લંડનમાં ટીપ્પણીને મુદ્દે વિવાદ વકરેલો છે ત્યારે રાહુલ ગાંધી વધુ એક વિવાદમાં ફસાયા હતા.
પોલીસ ટીમ રવિવારે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધીના 12, તુઘલક લેન, નિવાસસ્થાન પર પહોંચી હતી અને બે કલાક પછી કોંગ્રેસ નેતાને મળી શકી હતી. પોલીસ ટીમ આશરે બપોરે 1 વાગ્યા રાહુલ ગાંધીના નિવાસસ્થાનથી નીકળી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ અગાઉ 15 માર્ચે કોંગ્રેસ નેતાનો જવાબ મેળવવા તેમના નિવાસસ્થાને ગઈ હતી પરંતુ તેમને મળી શકી ન હતી અને પછી 16 માર્ચે ફરી તેમની મુલાકાત લીધી હતી. તે સમયે રાહુલ ગાંધીએ લગભગ એક અઠવાડિયાથી 10 દિવસનો સમય માંગ્યો હતો.
કોંગ્રેસ નેતાએ પોલીસની કાર્યવાહીને અસાધારણ ગણાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે અદાણીના મુદ્દે તેઓ સંસદ અને સંસદની બહાર વિરોધ કરી હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસના પ્રશ્નોના વિગતવાર જવાબ આપવા માટે રાહુલ ગાંધીએ 8થી 10 દિવસનો સમય માંગ્યો હતો.
પોલીસે પાંચ દિવસમાં ત્રીજી વખત ગાંધીના દરવાજા ખટખટાવ્યા હોવાથી કોંગ્રેસ ધુઆંપુઆ થઈ ગઈ હતી. જોકે પોલીસે દલીલ કરી હતી કે તે માત્ર પીડિત મહિલા વિશે માહિતી મેળવવા આવી છે, જેથી આરોપી સામે કાર્યવાહી કરી શકાય. વિપક્ષી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર ધાકધમકી અને રાજકીય બદલો લેવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ ભાજપે આ આક્ષેપ નકારી કાઢ્યો હતો અને કહ્યું કે પોલીસ ફક્ત તેની કાયદેસરની ફરજ નિભાવી રહી છે.
પોલીસ ટુકડી ઉતરી આવતા રાહુલ ગાંધીના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસની ટીમ અંદર હતી ત્યારે કોંગ્રેસના નેતાઓ પવન ખેરા, અભિષેક મનુ સિંઘવી, જયરામ રમેશ અને અન્ય ત્યાં પહોંચ્યા હતા. પાર્ટીના કાર્યકરો ઘરની બહાર વિરોધ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા. ચાર-પાંચ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીએ જો તેઓ ખરેખર મહિલાઓના પ્રશ્નો અંગે ગંભીર હોય તો તેમણે તેની માહિતી આપવી જોઇએ. રાહુલ ગાંધી કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોની આદત બની ગઈ છે કે તેઓ કંઈ પણ બોલીને લાઇમલાઇટમાં રહે છે. તેઓ તે સમયે જુઠ્ઠું બોલતા હતા કે હાલમાં જુઠ્ઠું બોલે છે તે ફક્ત રાહુલ જ કહી શકે.
પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં કહ્યું હતું કે ”મેં સાંભળ્યું છે કે મહિલાઓ પર હજુ પણ યૌન શોષણ થાય છે અને યાત્રા દિલ્હીમાંથી પણ પસાર થઈ હોવાથી તેઓ એ જાણવા માગતા હતા કે કોઈ પીડિતાનો દિલ્હીમાં તેમનો સંપર્ક થયો હતો કે કેમ.