(ANI Photo/SansadTV)

ડીએમકેના લોકસભા સાંસદ ડીએનવી સેંથિલ કુમારે મંગળવારે હિન્દી ભાષી રાજ્યોને ‘ગૌમુત્ર’ રાજ્યો ગણાવતા મોટો વિવાદ ઊભો થયો હતો. તેમની આ ટીપ્પણીની ભાજપ તેમજ ડીએમકેના સાથી પક્ષ કોંગ્રેસે આકરી નિંદા કરી હતી અને માફીની માગણી કરી હતી.

લોકસભામાં J&K પુનર્ગઠન (સુધારા) બિલ પરની ચર્ચામાં ભાગ લેતી વખતે ડીએમકે સાંસદે જણાવ્યું હતું કે ભાજપની ચૂંટણી જીતવાની શક્તિ મુખ્યત્વે હિન્દીભાષી રાજ્યો અથવા તો ગૌમૂત્રવાળા રાજ્યો સુધી મર્યાદિત છે. તમે લોકો દક્ષિણ ભારતમાં ન આવી શકો.

આ વિવાદાસ્પદ ટીપ્પણીને લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરી હતી. પરંતુ તેનાથી મોટો વિવાદ થયો હતો. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તમામ પાર્ટીના નેતાઓએ તેની આકરી નિંદા કરી હતી. વિવાદ સર્જાયા પછી તેમણે માફી માગી હતી.

આ ટીપ્પણીને હેટ સ્પીચ ગણાવીને ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે મતદારો આગામી ચૂંટણીઓમાં દક્ષિણ ભારતમાંથી પણ ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે. કોંગ્રેસના લોકસભા સભ્ય કાર્તિ ચિદમ્બરમે કહ્યું હતું કે સેન્થિલ કુમારે તરત જ માફી માંગવી જોઈએ અને તેમની ટિપ્પણીઓ પાછી ખેંચી લેવી જોઈએ. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ જણાવ્યું હતું કે ડીએમકેએ સમજવું જોઈએ કે તેની અવિચારી ટીપ્પણીઓ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપને પડકારવા માટેના ઈન્ડિયા એલાયન્સના પ્રયત્નોને જ નબળા પાડે છે. ભારત એક છે તથા ઉત્તર-દક્ષિણ વિભાજનને કોઈ સ્થાન નથી.

તમિલનાડુ ભાજપના વડા કે અન્નામલાઈએ જણાવ્યું હતું કે અમારા ઉત્તર ભારતીય મિત્રોને પાણીપુરી વેચનારાઓ, શૌચાલય બનાવનારાઓ વગેરેને બોલાવ્યા પછી ઇન્ડિયા ગઠબંધનનો પક્ષ DMK ગૌમૂત્ર તેવી અપમાનજક ટીપ્પણી કરે છે.

LEAVE A REPLY