અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને મંગળવારે (25 એપ્રિલ) સત્તાવાર રીતે પોતે 2024ની ચૂંટણી માટે સ્પર્ધામાં ઉતરવાની જાહેરાત કરી દીધી હતી. 80 વર્ષના આ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અમેરિકાના સૌથી વધુ વયના પ્રેસિડેન્ટ તો હાલમાં પણ છે જ. તેમની સામે સ્પર્ધામાં સંભવત્ તેમના 2020ના હરીફ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને રીપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ હોઈ શકે છે, ટ્રમ્પે પોતે સ્પર્ધામાં ઉતરવાની જાહેરાત તો આ પહેલા જ કરી દીધી છે.
બાઈડેને ત્રણ મિનિટ કરતાં થોડી વધુ પળોના એક વિડિયોમાં આ જાહેરાત કરી હતી. વિડિયોમાં બાઈડેને કહ્યું હતું કે, “દરેક પેઢીને એક તક, એક પળ મળે છે, ત્યારે તેઓએ લોકશાહી માટે ઉભા થવું પડે છે, પોતાની પાયાની સ્વતંત્રતા માટે ઉભા થવું પડે છે. હું માનું છું કે, અમારા માટે આ પળ છે. આ જ કારણે હું અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે ફરી ચૂંટણી લડવા માગું છું.”
વિડિયોની શરૂઆત 6ઠ્ઠી જાન્યુઆરી, 2021ના દિવસે બનેલી કેપિટોલ હિલ ઉપરના હુમલાની ઘટનાની તસવીરો સાથે થાય છે.
“વિડિયોમાં બાઈડેને વધુમાં કહ્યું હતું કે, સ્વતંત્રતા. વ્યક્તિગત સ્વતંત્રતા આપણી અમેરિકનો તરીકેના અસ્તિત્ત્વના પાયાની બાબત છે. આપણા સૌ માટે એનાથી વધારે બીજું કઈં જ મહત્ત્વનું નથી. એનાથી વધુ બીજું કઈંજ પવિત્ર નથી. મારા સત્તાકાળની પહેલી મુદતનું આ જ કામ રહ્યું છે – આપણી લોકશાહી માટેની લડત. આપણા અધિકારોના રક્ષણ માટેની લડત. આ દેશમાં સૌની સાથે સમાનતાનો વ્યવહાર થાય તેની ખાતરી આપણે કરવાની છે.”
“માગા અંતિમવાદીઓ” (‘માગા’ – મેઈક અમેરિકા ગ્રેઈટ અગેઈન, હરીફ ડોનાલ્ડ ટ્રમ્પનું રાજકિય સૂત્ર રહ્યું છે) ઉપર શાબ્દિક પ્રહારો કરતાં બાઈડેને જણાવ્યું હતું કે તેઓ ફરી આપણી આ પાયાની સ્વતંત્રતા હડપ કરી જવા સજ્જ થઈ રહ્યા છે.
બાઈડેનની વય ફરી ચૂંટણી લડવાના તેમના પ્રયાસને ઐતિહાસિક તેમજ ડેમોક્રેટિક પાર્ટી માટે થોડો જોખમી જુગાડ બનાવે છે. રીપબ્લિકન્સ માટે તે પ્રહારનો મુખ્ય મુદ્દો બની જાય છે, તો સામે બાઈડેનના સમર્થકો એવું કહે છે કે, તેમની વય તો ખરેખર તેમની કામગીરી માટે તેમના અનુભવનું પ્રતિબિંબ બની રહે છે.