અમેરિકામાં પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડવાઇઝરી કમિશને 1992 પછી ઉપયોગ નહીં થયાના પગલે રદબાતલ થયેલા ફેમિલી અને જોબ્સ આધારિત 230,000થી વધુ ગ્રીન કાર્ડ્સના ફરી ઉપયોગની ભલામણ સ્વીકારી છે. આનાથી હવે ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા હજ્જારો ઇન્ડિયન અમેરિકનોને લાભ થશે.

વિદેશીઓને અમેરિકામાં સ્થાયી થવા માટે ગ્રીન કાર્ડ સૌથી મહત્વનો ડોક્યુમેન્ટ છે. પ્રેસિડેન્ટ જો બાઇડેનના એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઇયન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સના સભ્ય અને ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન અજય ભૂટોરિયાએ કમિશન સમક્ષ પોતે કરેલી ભલામણો અંગે જણાવ્યું હતું કે, 1992થી 2022 સુધી ઉપયોગ નહીં થઈ શકવાના કારણે રદબાતલ થઈ ગયેલા જોબ્સ આધારિત 230,000થી વધુ ગ્રીન કાર્ડ્સનો ફરી ઉપયોગ કરવા અને આ વર્ષ સહિત આગામી થોડા નાણાકીય વર્ષોમાં દર વર્ષે તેમાંથી કેટલાક કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ. આ જુના રદબાતલ થયેલા કાર્ડ્સ હાલની વાર્ષિક 140,000 કાર્ડ્સની સંખ્યા ઉપરાંતના રહેશે.

ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટી (DHS) દર વર્ષે ફેમિલી અને જોબ્સ આધારિત ઇમિગ્રન્ટ વિઝા (ગ્રીન કાર્ડ્સ) ઇસ્યુ કરવાની જવાબદારી સંભાળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રદબાતલ થયેલા ગ્રીન કાર્ડ્સનો ફરી ઉપયોગ કરવા અને ભવિષ્યમાં જે તે વર્ષના ક્વોટાના ગ્રીન કાર્ડ્સ રદબાતલ થતા અટકાવવાના હેતુસર ગ્રીન કાર્ડ માટેની અરજીનો પ્રોસેસિંગમાં અધિકારીઓ દ્વારા થતો વિલંબ દૂર કરવાનો અને કાર્ડની રાહ જોઇ રહેલા લોકોને રાહત આપવાનો આ ભલામણનો હેતુ છે.

કોંગ્રેસનલ રીસર્ચ સર્વિસના જણાવ્યા મુજબ, છેલ્લા બે દાયકામાં ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની પ્રતિક્ષા યાદીમાં લોકોની સંખ્યામાં 100 ટકાથી વધુનો ઉમેરો થયો છે. ભૂટોરિયાએ જણાવ્યું હતું કે, કમિશને ગત વર્ષે ડિસેમ્બરમાં માતા-પિતાની ગ્રીન કાર્ડ અરજી પર બાળકોની ઉંમરમાં સુધારો કરવાની ભલામણ પણ કરી હતી.યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા ચાઇલ્ડ એજ-આઉટ કેલ્ક્યુલેશન પોલિસીમાં સુધારો કરાયો છે.

LEAVE A REPLY