અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી જો બાઇડનના હાથમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા આખરે સોમવારે ચાલુ થઈ હતી. જનરલ સર્વિસિસ એડિમિનિસ્ટ્રેશને સોમવારે પ્રેસિડન્ટની ચૂંટણીમાં બાઇડનને દેખિતા વિજેતા હોવાનું સ્વીકાર્યું હતું અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તા પરિવર્તનમાં સહકાર આપવા તેમની એજન્સીઓને સૂચના આપી હતી. જોકે ટ્રમ્પે ચૂંટણીના પરિણામ સામે કાનૂની જંગ જારી રાખશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હું એમિલી અને તેમની ટીમને પ્રારંભિક પ્રોટોકોલના સંદર્ભમાં જરૂરી કામગીરી કરવા ભલામણ કરું છું. મારી ટીમને પણ આ અંગેની કામગીરી કરવા મે સૂચના આપી છે. એમિલી મર્ફી જનરલ સર્વિસિસ એડિમિનિસ્ટ્રેશના વડા છે.
આનાથી સત્તા પરિવર્તનની વિધિવત પ્રક્રિયા ચાલુ થઈ છે. હવે બાઇડન અને તેમની ટીમને આશરે 6 મિલિયન ડોલરના ફંડિંગ સહિત હાલની એજન્સીઓના અધિકારીઓ, દસ્તાવેજ અને બીજા સરકારી સંસાધનોનો ઉપયોગ કરવાની છૂટ મળશે.
પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશન એક્ટ, 1963ને ટાંકીને બાઇડનને પાઠવેલા પત્રમાં મર્ફીએ જણાવ્યું હતું કે કાનૂની પડકારો અને ચૂંટણીના રિઝલ્ટના સર્ટિફિકેશન્સ સંબંધિત તાજેતરની ગતિવિધિને પગલે મે નિર્ધારિત કર્યું છે કે તમે વિનંતીના આધારે કલમ-3 હેઠળ પોસ્ટ-ઇલેક્શન સંસાધનો અને સર્વિસિસનો ઉપયોગ કરી શકો છો. નવ રિપબ્લિકન સેનેટર્સે સત્તાપરિવર્તનની પ્રક્રિયા ચાલુ કરવાની રજૂઆત કર્યા બાદ આ પત્ર મોકલવામાં આવ્યો હતો.
બાઇડન-હેરિસ ટ્રાન્સશન ટીમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરર યોહાનીસ અબ્રાહમે જણાવ્યું હતું કે આ જાહેરાત મહામારીને કાબૂમાં લેવા અને અર્થતંત્રને પાટા પર લાવવા માટે જરૂરી પગલું છે. આગામી દિવસોમાં ટ્રાન્ઝિશન અધિકારીઓ મહામારી સામેના પગલાં અંગે સરકારી અધિકારીઓ સાથે બેઠકો ચાલુ કરશે.