અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ તરીકે જો બાઈડેનની બુધવારે (20મી) થનારી શપથવિધિ અનેક રીતે અનોખી, ઐતિહાસિક બની રહેશે. વોશિંગ્ટન ડીસીમાં અને દેશના અનેક વિસ્તારોમાં યુદ્ધ ક્ષેત્ર જેવા, અત્યંત ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથેના માહોલમાં કોઈ જનમેદની તો હશે જ નહીં, ખાસ આમંત્રિત મહેમાનોને પણ કોરોના વાઈરસના નિયંત્રણોના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.
જો કે, આ શપથવિધિ સમારંભ અમેરિકાની સૌથી વધુ વ્યાપક ટીવી કવરેજ ધરાવતી ઈવેન્ટ બની રહેવાની સંભાવના છે. બાઈડેનની ઈનોગ્યુરેશન ટીમે સમર્થકોને વિનંતી કરી છે કે, તેઓ ઘેર રહીને તેમના નેતાઓની તાજપોશી નિહાળે. અગાઉની અનેક શપથવિધિઓમાં એક મિલિયનથી પણ વધુ લોકોની ઉપસ્થિતિ રેકોર્ડ થયેલી છે. તેના બદલે, આ વખતે વિશાળ ગ્રાઉન્ડ ઉપર બે લાખ જેટલા ધ્વજ લહેરાવાશે. સંસદ સભ્યો, સરકારી અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના જજીસ તથા અન્ય આમંત્રિત મહાનુભાવોએ પણ માસ્ક પહેરવાના રહેશે. સમારંભમાં લેડી ગાગા રાષ્ટ્રગીત પ્રસ્તુત કરશે, તો જેનિફર લોપેઝ પણ પોતાના કંઠનો જાદુ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોન રોબર્ટ્સ બાઈડેનને શપથ લેવડાવશે, તો જસ્ટીસ સોનિયા સોટોમેયર દ્વારા કમલા હેરિસને વાઈસ પ્રેસિડેન્ટપદના શપથ લેવડાવાશે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સ બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યુ. બુશ તથા બરાક ઓબામા સમારંભમાં, મંચ ઉપર ઉપસ્થિત રહેશે. જિમિ કાર્ટર તેમની 96 વર્ષની વય અને કોરોનાના સંજોગોમાં હાજરી નહીં આપે.
અમેરિકાના ઈતિહાસમાં છેલ્લે 1869માં આવું બન્યું હતું, તે પછી 2021માં બનશે – ચૂંટણીમાં ખરાબ રીતે હારેલા અને લોકોની નજરમાં પણ વિલન બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ તેમના અનુગામીની શપથવિધિમાં હાજરી નહીં આપે. જો કે, તેમના નાયબ, ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ હાજર રહેવાના છે. શપથવિધિ સમારંભોના અનિવાર્ય અંગ સમાન પરેડ્સ, પાર્ટીઝ અને કોન્સર્ટ્સ તો યોજાશે પણ એ બધા ઓનલાઈન, ટેલિવાઈઝડ રહેશે. બુધવારની રાત્રીના મુખ્ય ઈવેન્ટમાં જોન લેજેન્ડ, બ્રુસ સ્પ્રિંગ્સ્ટીન, જસ્ટીન ટીમ્બરલેક, એન્ટ ક્લેમોન્સ, ડેમી લોવાટો અને ફૂ ફાઈટર્સ મુખ્ય આકર્ષણ રહેશે.
વોશિંગ્ટન ડીસી અભેદ્ય કિલ્લો બની ગયું: અમેરિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વરાયેલા બાઈડેન અને કમલા હેરિસની શપથવિધિ પૂર્વે છેલ્લા થોડા સપ્તાહોથી સુરક્ષા એજન્સીઓને મળતા જોખમ અને હિંસાના અહેવાલોના કારણે વોશિંગ્ટન શહેર અભેદ્ય કિલ્લામાં ફેરવાયું છે. શહેરમાં 25,000 રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ઉપરાંત સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓનાં હજારો જવાનોને ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે.
કેપીટોલ હીલ, પેન્સિલ્વેનિયા વ્હાઇટ હાઉસની આસપાસના વિસ્તારોમાં સામાન્ય પ્રજાને અવરજવરની મનાઈ ફરમાવાઈ છે અને આઠ ફૂટ ઊંચી લોખંડની બેરીકેડ્સ પણ ગોઠવી દેવાઇ છે. છઠ્ઠી જાન્યુઆરીએ કેપીટોલ હીલમાં ઇલેકટોરલ કોલેજની સર્ટીફીકેશન પ્રક્રિયા ખોરવી સાંસદોને થોડા સમય માટે સલામત સ્થળે આશરો લેવાની ફરજ પાડતા ટ્રમ્પ સમર્થકોના હિંસક દેખાવોની ઘટના પછી વિભિન્ન જૂથો તરફથી હિંસક દેખાવોના અહેવાલો બાદ સત્તાવાળાઓએ સમગ્ર શહેરને હાઇએલર્ટ ઉપર મુકી દીધું છે.
સુરક્ષા એજન્સીઓ છઠ્ઠીની ઘટનાનું પુનરાવર્તન રોકવાના હેતુથી કોઇ કસર રાખવા માંગતી ના હોઇ રાજ્યોના પાટનગરોને પણ હાઇએલર્ટ પર રખાયા છે. વોશિંગ્ટનના મેયર મુરિયલ બાઉસેરે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ એફબીઆઇની મદદથી સજાગ છે અને લશ્કરને પણ સાબદું રખાયું છે. બાઉસેરે જણાવ્યું હતું કે, કહેવાતા દેશભક્તો તેમની સરકારને ઉથલાવવા પ્રયાસ કરી પોલીસની હત્યા કરશે તેવું અમે ક્યારેય વિચાર્યું નહોતું. વ્હાઇટ હાઉસના આગંતૂક ચીફ ઓફ સ્ટાફ રોન ક્લેઇને જણાવ્યું હતું કે, વોશિંગ્ટન અને અન્ય તમામ 50 પાટનગરોને સંભવિત ખતરાથી વાકેફ કરાયા છે અને શપથવિધિ સુરક્ષિત રખાશે. દરમિયાન, કેન્ટુકીના એક શખ્સની યુ.એસ. કેપીટોલમાં ગેરકાયદે ઘૂસણખોરી તથા સેનેટ અને પ્રતિનિધિગૃહની કાર્યવાહી ખોરવવા માટે ધરપકડ કરાઈ છે.