રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને સોમવારે કિવની ઓચિંતી મુલાકાત લીધી હતી તથા યુક્રેન માટે શસ્ત્રોનો સપ્લાય વધારવાનું અને અવિરત સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયન સૈનિકોએ આક્રમણ કર્યા પછી યુએસ પ્રમુખની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હતી. બાઇડન યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા ત્યારે સમગ્ર રાજધાનીમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા હતા.
યુનિફોર્મ પહેરેલા યુક્રેનિયન લશ્કરી અધિકારીઓ બહાર જ શેરીમાં લાઇનમાં ઊભા રહ્યાં હતા. બાઇડન અને ઝેલેન્સકીએ સાથે મળીને વોલ ઓફ રિમેમ્બરન્સ પર રશિયન-યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા નાયકો માટે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સમયે લશ્કરી સલામી વગાડવામાં આવી હતી અને બંને પ્રમુખોએ થોડી ક્ષણો માટે મૌન રાખ્યું હતું.
બાઇડને યુક્રેન માટે શસ્ત્રોની ડિલિવરી વધારવાનું અને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવા વોશિંગ્ટનની “પ્રતિબદ્ધતા”નું વચન આપ્યું હતું.
વ્હાઇટ હાઉસના નિવેદનમાં બાઇડનને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે “હું યુક્રેનના લોકોને હવાઈ બોમ્બમારોથી બચાવવા માટે આર્ટિલરી દારૂગોળો, એન્ટી-આર્મર સિસ્ટમ્સ અને હવાઈ દેખરેખ રડાર સહિતના મહત્ત્વના ઇક્વિપમેન્ટની બીજી ડિલિવરીની જાહેરાત કરીશ.”
બાઇડનની મુલાકાતને સપોર્ટનો મહત્ત્વનો સંકેત ગણાવતા ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે “જોસેફ બાઇડન, કિવમાં આપનું સ્વાગત છે! તમારી મુલાકાત તમામ યુક્રેનિયનો માટે સમર્થનની અત્યંત મહત્વપૂર્ણ નિશાની છે.”
ચીન રશિયાને શસ્ત્રો મોકલવાનું વિચારી રહ્યું હોવાના અમેરિકાના દાવા સામે બેઇજિંગે આકરા પ્રહારો કર્યા હોવાથી બાઇડનની યુક્રેન મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન નહીં, પરંતુ અમેરિકા યુદ્ધના મેદાનમાં અવિરતપણે શસ્ત્રો મોકલી રહ્યું છે.
યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે પણ યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાને શસ્ત્રો પૂરા પાડવા સામે ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે અમારા માટે તે રેડલાઇન હશે.