અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેને શનિવારે રાત્રે જીત પછી પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે વિભાજિત લોકોના ઘાને ભરવાનો આ સમય છે. તેઓ દોડતા દોડતા મંચ સુધી આવ્યા હતા અને અનેક સમર્થકોએ ઉજવણી કરી હતી. બિડેને જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ તરીકે હું આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ બિડેન અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બનશે.
વતન વિલ્મિંગ્ટનમાં બિડેને જણાવ્યું હતું કે આ દેશોના લોકોએ સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. બિડેને 48 વર્ષ પહેલાં પહેલી વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. દેશના નામે સંબોધન કરતા તેઓએ કહ્યું કે, તમે લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. 7.4 લોકોએ રેકોર્ડ વોટ આપ્યા છે. અમેરિકાની આ નૈતિક જીત છે. માર્ટિન લ્યૂથર કિંગે પણ આ જ કહ્યું હતું. ધ્યાનથી સાંભળો. આજે અમેરિકા બોલી રહ્યું છે. હું પ્રેસિડન્ટ તરીકે આ દેશને વહેંચવાની જગ્યાએ એક કરીશ. પરિવાર અને પત્નીએ આ સંઘર્ષમાં સાથે આપ્યો તે બદલ આભાર.
ટ્રમ્પ અને તેમના સમર્થકો અંગે બિડેને જણાવ્યું હતું કે, મને ખબર છે કે જે લોકોને ટ્રમ્પે વોટ આપ્યો છે, તે આજે નિરાશ હશે. હું પણ ઘણી વખત હાર્યો છું, આ જ લોકતંત્રની સુંદરતા છે કે આમા દરેકને તક મળે છે. ચાલો, નફરત ખતમ કરો. એક બીજાની વાત સાંભળો અને આગળ વધો. વિરોધીઓને દુશ્મન સમજવાનું બંધ કરો, કારણ કે આપણે સૌ અમેરિકન્સ છીએ.બાઈબલ આપણને શીખવાડે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે. હવે ઘાને ભરવાનો સમય છે. સૌથી પહેલા કોવિડ-19ને અંકુશમાં લેવાનો રહેશે. આ પછી અર્થતંત્ર અને દેશને રસ્તા પર લાવવો પડશે.
તેમણે અમેરિકાની વિવિધતામાં એકતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મને ગર્વ છે કે અમે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં વિવિધતા જોઈ છે અને તેના બળ પર જીત્યાં છે. ડેમોક્રેટ્સ, રિપબ્લિકન્સ, અપક્ષ, પ્રોગ્રેસિવ રૂઢિવાદી, યુવા, વૃદ્ધ, ગ્રામીણ, શહેર, સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર, લેટિન, શ્વેત, અશ્વેત અને એશિયન. અમને દરેકનું સમર્થન મળ્યું છે. કેમ્પેઈન ઘણી મુશ્કેલ હતી.