અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને શપથ લીધા બાદ 17 આદેશ પર હસ્તાક્ષર કરે તેવી ધારણા છે. તેઓ પેરિસ ક્લાઇમેટ સંધિ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકાની વાપસી, કેટલીક મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પરના પ્રતિબંધને દૂર કરવા જેવા પગલાં લઈ શકે છે.
સત્તા સંભાળ્યા પછી જો બાઇડન ડોનાલ્ડ ટ્રંપ દ્વારા લેવામાં આવેલા કેટલાંક નિર્ણયોને પલટી નાંખશે. જો બાઇડને પોતાના કાર્યકાળના પહેલાં 10 દિવસમાં કયાં મહત્ત્વના નિર્ણય કરવાના છે તેની યાદી તૈયાર કરી દીધી છે અને તેમાં મુસ્લિમ દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધ રદ કરવાનો નિર્ણય સામેલ છે. ડોનાલ્ડ ટ્રંપના 5 વર્ષના શાસનકાળમાં અને ચૂંટણી સમયે ઉભા કરેલા વિવાદોને કારણે અમેરિકાની પ્રજા ટ્રમ્પથી નારાજ હતી. ટ્રમ્પે પોતાના શાસન કાળ દરમ્યાન અનેક વિવાદિત નિર્ણયો લીધા હતા.
વ્હાઇટ હાઉસના નવા ચીફ ઓફ સ્ટાફ રોન કલીને કહ્યું હતુ કે નવા વરાયેલા પ્રેસિડન્ટ જો બાઇડન પોતાના કાર્યકાળના પહેલાં દિવસે કોરોના, આર્થિક સંકટ, પર્યાવરણ, વંશીય અસમાનતા જેવી સમસ્યાના નિવારણ માટે પહેલાં દિવસે એક ડઝન દરખાસ્તો પર હસ્તાક્ષર કરશે જેમાં 7 મુસ્લિમ દેશો પરનો પ્રતિબંધ હટાવી લેવાનો અને પેરિસ કરારમાં ફરી અમેરિકાને સામેલ કરવાનો નિર્ણય પણ લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પે 2015માં 7 મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવવાની સાથે પેરિસ જલવાયુ કરારમાંથી અમેરિકાને બહાર કરી દીધું હતું.