અમેરિકામાં એક સપ્તાહમાં બે બેન્કોએ ઉઠમણુ કરતાં બેન્કિંગ સિસ્ટમ અંગે ચિંતા ઊભી થઈ છે ત્યારે દેશની બેન્કોની સ્થિતિ અંગે પ્રેસિડન્ટ જો બાઈડેનને કરાયેલા પ્રશ્નોનો જવાબ આપવાને બદલે તેઓ અધવચ્ચેથી પ્રેસ કોન્ફરન્સ છોડીને જતાં રહ્યાં હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
બેન્કિંગ સિસ્ટમની જાળવણી અને આર્થિક રિકવરી અંગે યોજાયેલી કોન્ફરન્સમાં બાઈડેનને પ્રશ્ન પૂછાયો હતો કે તમે વર્તમાન સ્થિતિ અંગે શું કહેવા માગો છો, અને શું તમે ખાતરી આપો છો કે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય? જોકે બાઈડેન આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ ત્યાંથી ચાલવા લાગ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ પહેલી ઘટના નથી જ્યારે અમેરિકન પ્રેસિડન્ટ જવાબ આપ્યા વગર કોન્ફરન્સ અધવચ્ચે છોડી ગયા હોય. ચીનના “જાસૂસી બલૂન”ની ઘટના પર નિવેદન આપ્યા બાદ પત્રકારો તરફથી સવાલોનો મારો ચલાવાયો ત્યારે પણ તેમણે આવું જ કર્યું હતું.