અમેરિકી પ્રેસિડન્ટે જો બાઇડેન સોમવારે રશિયા સામેના પશ્ચિમના દેશોના પ્રતિબંધ અંગેના ભારતના વલણને ‘થોડા અંશે અસ્થિર’ ગણાવ્યું હતું. જો બાઈડને કહ્યું કે, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે. ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું ઢીલું રહ્યું છે. અમેરિકાના વ્યાપારી નેતાઓની બેઠકને સંબોધતા બાયડેને કહ્યું કે, રશિયા સામે ભારતનું વલણ ડગુમગુ છે.
બાઈડને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સામે સંયુક્ત મોરચા માટે નાટો, યુરોપિયન યુનિયન અને મુખ્ય એશિયન ભાગીદારો સહિત યુએસના નેતૃત્વ હેઠળના ગઠબંધનની પ્રશંસા કરી અને કહ્યું કે, નાટો આજના જેટલું શક્તિશાળી અને સંયુક્ત છે તેટલું ક્યારેય નહોતું.
યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. તમામ મોટી કંપનીઓએ રશિયામાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. યુએનમાં પણ આ દેશોએ રશિયાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને તેની વિરૂદ્ધ મતદાન પણ કર્યું હતું, પરંતુ ભારતે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી છે.