પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના ફોન કોલ માટે લાંબા સમયથી તલપાપડ બન્યાં છે ત્યારે તેમની આશા પર ઠંડુ પાણી રેડતા વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ક્યારે ફોન કોલ કરશે તે અંગે કોઇ આગાહી કરી શકાય નહીં, જોકે બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય સંપર્ક ચાલુ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાના મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફરિયાદ કરી હતી કે અફઘાનિસ્તાનમાં સ્થિરતા માટે અમેરિકા પાકિસ્તાનનું સમર્થન મેળવવા માગે છે, પરંતુ બિઝી પ્રેસિડન્ટ બાઇડનને તેમની સાથે વાત કરવાની પણ દરકાર નથી.
બાઇડન આ વર્ષના જાન્યુઆરીમાં પ્રેસિડન્ટ બન્યાં પછી તેમણે એકપણ વખત ઇમરાન ખાનને ફોન કોલ કર્યો નથી. તેનાથી ઇમરાન ખાન નારાજ છે અને ઘણીવાર જાહેરમાં પોતાની નારાજગી દર્શાવી ચુક્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબજા પછી પણ બાઇડને કોલ કર્યો ન હતો.
બાઇડન ટૂંકસમયમાં ઇમરાન ખાનને કોલ કરશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં વ્હાઇસ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે “મારા પાસે હાલના સમયે આગાહી કરવા માટે કોઇ આધાર નથી. જો કોલ કરશે તો અમે તમને માહિતી આપીશું.”
વ્હાઇટ હાઉસના દૈનિક બ્રિફિંગમાં પત્રકારોએ પ્રેસિડન્ટ બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. ઇમરાન ખાનના યુએનમાં સંબોધન અને અફઘાનિસ્તાનમાં અમેરિકાના પગલાંની ટીકા વગેરે મુદ્દા અંગે પણ પ્રશ્નો કર્યા હતા. આ અંગે સાકીએ જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનના નેતાઓ સાથે સંપર્કમાં છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે પ્રેસિડન્ટ હાલમાં દરેક વિદેશી નેતાઓ સાથે વાત કરી નથી. તે સાચુ છે, પરંતુ તેમની પાસે આવું કરવા માટે નિષ્ણાતોની ટીમ છે. અમેરિકા અને પાકિક્સાન સાથે મળીને કામ કરી રહ્યાં છે. અમે સાથે કામ કરી શકીએ તેવા મુદ્દા પર કામ ચાલુ છે, પરંતુ હું નેતાઓ વચ્ચેના કોલ અંગે કંઇ કહી શકું નહીં.
બાઇડને પ્રેસિડન્ટ બન્યાં પછી શા માટે ફોન કોલ કર્યો નથી તેવા પ્રશ્નના જવાબમાં ઇમરાન ખાને ફરિયાદના સૂરમાં જણાવ્યું હતું કે “તેઓ બિઝી વ્યક્તિ છે. તેઓ શા માટે કોલ કરી રહ્યાં નથી તે અંગે બાઇડનને પૂછો.” ઓગસ્ટમાં વિદેશી પત્રકારો સાથે વાતચીત કરતાં ઇમરાને જણાવ્યું હતું કે તેઓ ખરેખર બાઇડના ફોન કોલની રાહ જોઇ રહ્યાં નથી. તેમણે જણાવ્યું હતું કે “પ્રેસિડન્ટ બાઇડન કેમ ફોન કોલ કરતાં નથી તે અંગે મને સતત પૂછવામાં આવી રહ્યું છે.તે તેમનું કામ છે. હું કોઇના ફોન કોલની પ્રતિક્ષામાં નથી.”