જો બિડેન દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યાં છે ત્યારે સમગ્ર દુનિયાની નજર તેમના પર છે. દરેક વ્યક્તિ તેમની નીતિઓ વિશે જાણવા માગે છે. એવામાં જો બિડેનની રાજકીય સફર અને સંઘર્ષ વિષે જાણકારી મહત્ત્વની છે. બિડેને પાંચ દાયકાના સંઘર્ષ પછી આ સત્તા પ્રાપ્ત કરી છે.
જો બિડેને કાઉન્ટીથી રાજકીય સફર ચાલુ કરી હતી. તે પછી સેનેટર, વાઇસ પ્રેસિડન્ટ અને હવે પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યાં છે. આ દરમિયાન તેમના અંગત જીવનમાં અનેકવાર મુશ્કેલીઓ આવી હતી. પરિવારને કાર અકસ્માતને કારણે બિડેને સેનેટર તરીકે પહેલીવાર શપથ પણ હોસ્પિટલમાં લીધા હતા. તેના પછી 2015માં મોટા પુત્રનું કેન્સરને કારણે મોત થયું હતું.
77 વર્ષીય બિડેન આશરે 50 વર્ષથી અમેરિકાના રાજકારણમાં સક્રિય છે. બિડેને એક વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જેના પછી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1972માં તે પહેલીવાર ચૂંટણી રાજકારણમા આવ્યા અને ડેલાવેયરની ન્યૂ કાઉન્ટીથી ચૂંટાયા. અહીંથી સતત 2009 સુધી સેનેટર ચૂંટાયા હતા. આ વર્ષે જ તેઓ બરાક ઓબામાની સરકારમાં વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતા જેના લીધે સેનેટરનું પદ છોડવું પડ્યું હતું.
રાજકીય કારકિર્દીમાં ત્રણ વખત પ્રેસિડન્ટ બનવાની રેસમાં નસીબ અજમાવ્યું પણ અગાઉ બે વારના પ્રયાસોમાં કોઇને કોઇ વિધ્ન આવ્યું હતું. સૌથી પહેલાં 1987માં પ્રેસિડન્ટ માટે નસીબ અજમાવ્યું હતું. 1988ની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો તો ભાષણ ચોરીનો આરોપ લાગ્યો હતો. 2016માં પ્રેસિડન્ટની ચૂંટણીમાં પણ કેમ્પેનની શરૂઆત કરી પણ 2015માં દીકરાના મૃત્યુ બાદ તેમણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો અને ત્રીજી વખત 2020માં સફળ રહ્યાં હતા.
2008માં પણ બિડેને ડેમોક્રેટ્સ તરફથી પ્રેસિડન્ટની ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પણ પછી તેમણે બરાક ઓબામાને ટેકો જાહેર કર્યો હતો. ઓબામા સરકારમાં બિડેન વાઇસ પ્રેસિડન્ટ બન્યાં હતા. આશરે આઠ વર્ષ સુધી આ પદે રહ્યાં બાદ અંદાજે 50 દેશોની મુલાકાત લીધી હતી. બરાક ઓબામા જો બિડેનને બ્રધર વાઈસ પ્રેસિડેન્ટ’ તરીકે ઓળખતા હતા.