પ્રેસિડેન્ટ બાઇડેને ટ્રમ્પશાસનમાં લદાયેલો એચ-1બી વીઝા સહિત વિદેશી કર્મચારીઓ માટેનો વીઝા પ્રતિબંધ ઉઠાવી લેતાં હજારો ભારતીય આઇટી કર્મચારીઓને રાહત થશે. કોરોનાના રોગચાળા અને લોકડાઉન વખતે ટ્રમ્પે ગત જૂનમાં હંગામી કે નોનઇમિગ્રન્ટ વીઝા કેટેગરીના અરજદરોનો અમેરિકા પ્રવેશ હંગામી ધોરણે અટકાવ્યો હતો.
31મી ડિસેમ્બરે આ આદેશ 31મી માર્ચ, 2021 સુધી લંબાવતાં ઉમેર્યું હતું કે, બેરોજગારી, રોજગાર ઘટાડાના ઉંચા પ્રમાણ તથા રોગચાળાથી અમેરિકાનું જીવનધોરણ અસર પામ્યું હોવાથી પ્રતિબંધ જરૂરી છે. વર્તમાન પ્રમુખ બાઇડેને નવું જાહેરનામું બહાર નહીં પાડતા 31મી માર્ચ પછી એચ-1બી વીઝા પૂર્વવત્ આપવાનું ચાલુ રહેશે. વિદેશોમાંના અમેરિકી રાજદ્વારી મિશનો દ્વારા એચ-1બી વીઝા આપવાનું ચાલુ થતાં અમેરિકન કંપનીઓ અમેરિકામાં કુશળ ટેકનોલોજી પ્રોફેશનલ્સ લાવી શકશે.
મિસૌરીના રીપબ્લિકન સેનેટર જોશ હાઉલેએ બાઇડેનને પત્ર પાઠવી વિદેશી કર્મચારીઓનો અમેરિકામાં પ્રવેશ રોકવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું. સેનેટર જોશે જણાવ્યું હતું કે, રોગચાળાના કારણે લાખો અમેરિકન લોકો કામવિહોણા બન્યા છે અને પોતાની જરૂરિયાતો સંતોષવા ફાંફા મારે છે ત્યારે હજારો વિદેશીઓને કામની સ્પર્ધા માટે પ્રવેશ આપવાનું યોગ્ય નીવડશે નહીં.