અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને પોતાના પાળેલા કૂતરા સાથે ગેલ કરતા પગમાં હેરલાઇન ફ્રેક્ચર્સ થયું હતું અને કેટલાંક સપ્તાહ માટે પ્રોટેક્ટેટિવ બૂટ પહેરવા પડે તેવી શક્યતા છે, એમ તેમના પર્સનલ ફિઝિશિયને રવિવારે જણાવ્યું હતું.
બાઇડનની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે આ ઘટના બની હતી. 78 વર્ષીય ડેમોક્રેટે એક્સ-રે અને સીટી સ્કેન માટે રવિવારે ઓર્થોપેડિસ્ટની મુલાકાત લીધી હતી. સીટી સ્કેનમાં હેરલાઇન ફ્રેક્ચર્સ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણ નવેમ્બરની ચૂંટણીમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા બાદ બાઇડન 20 જાન્યુઆરીએ અમેરિકાના સૌથી મોટી ઉંમરના પ્રેસિડન્ટ તરીકે હવાલો સંભાળશે. તેથી તેમના સમર્થકો અને વિરોધીઓ તેમની તબિયત પર ચાંપતી નજર રાખે તેવી શક્યતા છે.
બાઇડન પાસે બે જર્મન શેફર્ડ ડોગ છે અને નિયમિત પોતાના પેટ્સ સાથે થોડો સમય ગાળે છે. મેજર નામના એક કૂતરા સાથે બાઇડન રમી રહ્યા હતા ત્યારે અજાણતામાં તેમને આ ઇજા થઈ હતી.
જો કે બાઇડનના પ્રવક્તાએે કહ્યું કે તેમને ગંભીર ઇજા થઇ નથી એટલે ચિંતા કરવાનું કોઇ કારણ નથી. ડૉક્ટરો તેમના પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. આ વાતની જાણ થતાં હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડને જલદી સાજા થવાનો શુભેચ્છા સંદેશો મેાકલ્યો હતો.