(Photo by Samuel Corum/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને બુધવારે વોશિંગ્ટનમાં ચૂંટણી ભંડોળ એકત્ર કરવાના એક કાર્યક્રમમાં રશિયા અને ચીનની સાથે-સાથે ભારત અને જાપાનને પણ ‘ઝેનોફોબિક’ ગણાવીને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકાથી તદ્દન વિપરિત આમાંથી કોઈ પણ દેશ ઇમિગ્રન્ટ્સને આવકારતું નથી. ઝેનોફોબિયા એટલે વિદેશીઓ, તેમના રિવાજો, તેમના ધર્મો વગેરેને નાપસંદ કરવા અથવા ડરવું.

બાઇડનને જણાવ્યું હતું કે આ ચૂંટણી સ્વતંત્રતા, અમેરિકા અને લોકશાહી માટેની છે. તેથી જ મને તમારી ખૂબ જ જરૂર છે. તમે જાણો છો, આપણી અર્થવ્યવસ્થા શા માટે વધી રહી છે, તેનું એક કારણ તમે અને અન્ય ઘણા લોકો છે. આ કારણથી અમે ઇમિગ્રન્ટ્સને આવકારીએ છીએ. આપણે જોઈએ છીએ કે ચીન આર્થિક રીતે આટલો ખરાબ દેખાવ કેમ કરી રહ્યું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? રશિયા શા માટે છે? ભારત શા માટે છે? કારણ કે તેઓ ઝેનોફોબિક છે. તેઓ ઇમિગ્રન્ટ્સ ઇચ્છતા નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ભારત અને જાપાન QUADના સભ્યો છે. તેમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે.

જોકે પ્રેસિડન્ટના આ નિવેદનના થોડા કલાકમાં વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટનો ઇરાદો આવો ન હતો. તેઓ સાથી અને ભાગીદાર દેશોનું સન્માન કરે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રેસિડન્ટની ટિપ્પણીઓ અમેરિકાના ઇમિગ્રન્ટ હેરિટેજમાંથી મેળવેલી તાકાત પર ભાર મૂકતા વ્યાપક સંદેશના પરિપ્રેક્ષ્યમાં છે. “અમારા સાથીઓ અને ભાગીદારો સારી રીતે જાણે છે કે પ્રેસિડન્ટ તેમનો કેટલો આદર કરે છે…તેઓ યુએસ અંગે વિશે બોલતા એક વ્યાપક ટિપ્પણી કરી રહ્યા હતાં.

LEAVE A REPLY